Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, 188 તાલુકામાં વરસ્યો વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે. દરમિયાન 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતના સુરતના ઉમરપાડામાં સૌથી વધારે છ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે માંગરોળમાં 4 ઈંચ અને જૂનાગઢના વિસાવદરમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ઉમરપાડામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. તેમજ આજે સવારે બે કલાકમાં 19 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદાના દેવ્યાપાડામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. રાજ્યના છ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. તેમજ રાજ્યના 11 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જ્યારે 38 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં આજે સવારે બે કલાકમાં 19 તાલુકામાં વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પોણા બે ઈંચ, અમીરગઢમાં એક ઈંચ દાંતીવાડામાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે.