Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટને ટાંકીને ‘ચોકીદાર ચોર’ વાળા નિવેદન પર રાહુલ ગાંધીનું ત્રીજું એફિડેવિટ, બિનશરતી માફી માંગી

Social Share

નવી દિલ્હી: રફાલ મામલામાં સુપ્રીમ કોર્ટને ટાંકીને પોતાના ચોકીદાર ચોર હૈ- વાળા નિવેદનને લઈને દાખલ કરવામાં આવેલી બદનક્ષીની અરજીના સંદર્ભે રાહુલ ગાંધીએ અદાલતની બિનશરતી માફી માંગી લીધી છે. આ મામલામાં શુક્રવારે સુનાવણી થવાની છે. પરંતુ તેના પહેલા જ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ત્રણ પૃષ્ઠોનું નવું એફિડેવિટ દાખલ કરીને પોતાના નિવેદન બદલ બિનશરતી માફી માંગી લીધી છે. તેમણે કહ્યુ છે કે અજાણતા તેમણે કોર્ટને ટાંકીને ચોકીદાર ચોર-વાળું નિવેદન આપ્યું, તેમનો આ ઈરાદો ન હતો. આના પહેલા પણ રાહુલ ગાંધી બે એફિડેવિટ દાખલ  કરી ચુક્યા છે, પરંતુ નિવેદન પર માફી માંગી ન હતી. માત્ર તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટના આકરા વલણને પરિણામે તેમને બિનશરતી માફી માંગવી પડી છે.

રફાલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને લઈને વડાપ્રધન નરેન્દ્ર મોદી પર આક્રમક કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકીને ચોકીદાર ચોર હૈ- એવી ટીપ્પણી કરી હતી. રાહુલ ગાંધીના નિવેદનને સુપ્રીમ કોર્ટની અવગણના ગણાવતા ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ કોર્ટમાં બદનક્ષી સંદર્ભે અરજી દાખલ કરી છે. 10મી એપ્રિલે સુપ્રીમ કોર્ટે સરકારના વાંધાઓને બાજૂમાં રાખીને રફાલ મામલામાં રિવ્યૂ પિટિશન પર નવા દસ્તાવેજોના આધારે સુનાવણીનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે ચોકીદાર ચોર હૈ.

મિનાક્ષી લેખીની અવગણના અરજી પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીનું સ્પષ્ટીકરણ માંગ્યું હતું. બાદમાં તેમણે ખેદ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે ચૂંટણીના ગરમાવા અને જોશમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ ભવિષ્યમાં કોર્ટને ટાંકીને આવી કોઈપણ વાત નહીં કહેવાની વાત પણ કરી, જેમાં કોર્ટે કંઈ કહ્યું હોય નહીં. રાહુલ ગાંધીના પહેલા એફિડેવિટ પર સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ થઈ ન હતી. બાદમાં તેમણે બીજું એફિડેવિટ દાખલ કર્યું હતું. 22 પૃષ્ઠોના બીજા એફિડેવિટમાં એક સ્થાન પર બ્રેકેટમાં ખેદ શબ્દ લખવા પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અખત્યાર કર્યુ હતું. બાદમાં આખરે રાહુલ ગાંધીએ ત્રીજા એફિડેવિટમાં બિનશરતી માફી માંગી છે.