અમદાવાદઃ મુંબઈના ભીવંડીમાં ઈમારત ધરાશાયી થવાની ઘટનામાં 10 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભૂલાઈ નથી. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થવાની સામે આવી હતી. જર્જરીત ઈમારતનો કેટલાક ભાગ ધરાશાયી થતા નીચે સૂઈ ગયેલા 3 શ્રમજીવીઓના કાટમાળ નીચે દબાઈ જવાથી મોત થયાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં એક જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. જેનો કાટમાળ નીચે આરામ કરી રહેલા મજૂરો ઉપર પડ્યો હતો. તેમજ કાટમાળની નીચે 3 મજૂરો દબાયા હતા. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ હટાવીને કાટમાળ નીચે દબાયેલા 3 શ્રમજીવીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. જ્યાં ત્રણેયના મોત થયાં હોવાનું જાણવા મળે છે.
આ જર્જરીત ઈમારત ઉતારી પાડવા માટે વર્ષ 2011માં નોટીસ આપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2019માં ઈમારતને સીલ મારવામાં આવી હતી. ત્યાર બિલ્ડીંગને ઉતારી પાડવા માટે સુચના આપવામાં આવી હતી. જો કે, યોગ્ય કાર્યવાહીં કરવામાં આ ઘટના બની હોવાના આક્ષેપ સાથે જવાબદારો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગણી કરી હતી. સમગ્ર ઘટના મામલે બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જાણવા મળે છે.