Site icon hindi.revoi.in

પાકિસ્તાનની ખાલિસ્તાન ગેમ, હવે શીખોને ભડકાવવાનો કારસો

Social Share

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370ને હટાવાયા બાદથી જ પાકિસ્તાન નવી-નવી તરકીબો વિચારીને ભારતનો વિરોધ કરવામાં લાગેલું છે. આ વાત અલગ છે કે તેના તમામ પ્રયાસો અસફળ સાબિત થઈ રહ્યા છે. હવે તેની વધુ એક નાપાક હરકત સામે આવી છે કે જેમાં તે ભારતની વિરુદ્ધ શીખ સમુદાયને ભડકાવવાનો કારસો રચી રહ્યુ છે.

પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હવે શીખોને પોતાના સંમેલનોમાં બોલાવીને તેમની પાસે ભારત વિરોધી નિવેદનો અપાવી રહ્યા છે. સોશયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા એક વીડિયોમાં એક શીખ નેતા ખોટો દાવો કરી રહ્યો છે કે શીખોની સર્વોચ્ચ ધાર્મિક સંસ્તા અકાલ તખ્તે તેમને કથિતપણે પાકિસ્તાનનો સાથ આપવા માટે કહ્યુ છે, જેથી ખાલિસ્તાન બનાવવાનું સપનું પૂર્ણ થાય. જો કે આવી ટીપ્પણી મનઘડંત છે અને અકાલ તખ્તે આવું કોઈ નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ આવા ભડ઼કાઉ નિવેદનોથી સતત ભારત વિરોધી પ્રચાર કરવાની કોશિશો થઈ રહી છે.

એટલું જ નહીં પાકિસ્તાનના પંજાબ રાજ્યના મુખ્યપ્રધાન સરદાર ઉસ્માન બુઝદારે 31 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય શીખ સંમેલન બોલાવવાની ઘોષણા કરી છે. જો કે આ સંમેલનને ગુરુ નાનક દેવના 550મા પ્રકાશ પર્વ સાથે જોડવામાં આવ્યું છે.

બીજી તરફ પાકિસ્તાની સેનાના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ અસલમ બેગે વિવાદીત ટીપ્પણી કરતા કહ્યુ હતુ કે ભારતને બોધપાઠ ભણાવવા માટે ત્યાં જેહાદી આતંકવાદી મોકલવાની જરૂર છે અને તેના માટે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો ઉપયોગ કરશે. આ નિવેદન પર પણ બબાલ સર્જાઈ છે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે કે પાકિસ્તાન કરતારપુર કોરિડોરનો દુરુપયોગ કરે તેવી શક્યતા છે. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ અસલમ બેગના વિવાદીત નિવેદન બાદ કહી દીધું હતું કે ભારત સરકારે કરતારપુર કોરિડોર બંધ કરી દેવો જોઈએ.

આના સિવાય શીખોને ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા દુષ્પ્રચાર થઈ રહ્યો છે કે આરએસએસ પંજાબમાં મૂળિયા જમાવીને શીખોને હાંસિયામાં ધકેલવા ચાહે છે.

Exit mobile version