નવી દિલ્હી: પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કાશ્મીર મામલા પર સોમવારે પોતાના રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. ઈમરાન ખાને કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવીને મોદીએ મોટી ભૂલ કરી દીધી છે. તેનાથી કાશ્મીરના લોકોને આઝાદ થવાનો વધુ મોકો મળી ગયો છે. આ મામલાને અમે દુનિયાની સામે ઉઠાવી દીધો છે. આ મામલો હવે દુનિયાની સામે આવી ગયો છે. જે પ્રકારે તેમણે બાલાકોટમાં કર્યું,તેવી કોશિશ તેમની પીઓકેમાં કરવાની હતી. પીઓકેમાં અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. હવે હું કાશ્મીરના મામલાને દુનિયામાં ઉઠાવીશ, હું સૌને જણાવીશ કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. હું કાશ્મીરનો રાજદૂત બનીશ.
ઈમરાને કહ્યુ છે કે અમે કાશ્મીરના મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં સફળ રહ્યા છીએ, અમે વૈશ્વિક નેતાઓ અને દૂતાવાસો સાથે વાત કરી. 1965 બાદ પહેલીવાર સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીરના મુદ્દે એક બેઠક બોલાવાઈ. ત્યાં સુધી કે આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેને ઉઠાવ્યો છે. હું 27 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલીશ અને વૈશ્વિક મંચ પર કાશ્મીર મુદ્દાને ઉજાગર કરીશ.
ઈમરાન ખાને કહ્યુ છે કે કાશ્મીર મુદ્દા પર નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. ભારતે પાકિસ્તાન પર પુલવામા હુમલો કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ એ સટીક કારણ પર ધ્યાન આપ્યું નહીં જેના પરિણામસ્વરૂપ આ ઘટના થઈ. ભારતીય સરકારે કાશ્મીર સંદર્ભે કલમ-370ને રદ્દ કરીને પોતાના બંધારણનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનના લોકો અને સરકારે કાશ્મીર સાથે ઉભા રહેવું જોઈએ. અમે કાશ્મીર માટે સાપ્તાહિક કાર્યક્રમનું આયોજન કરીશું. આ કાશ્મીરને આઝાદી મળવાનો સમય છે.
ઈમરાને કહ્યુ છે કે બંને દેશો પાસે પરમાણુ શક્તિ છે. જો યુદ્ધ થયું તો કોઈ બચશે નહીં. અમે કાશ્મીર પર કોઈપણ હદ સુધી જઈશું, ચાહે દુનિયા સાથ આપે અથવા નહીં.
ઈમરાને કહ્યુ છે કે અમે ભારત સાથે ઘણીવાર વાતચીતની કોશિશો કરી, પરંતુ ભારત ચૂંટણીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું માટે અમે રાહ જોઈ. ત્યારે પુલવામા એટેક થયો અને તેમણે તાત્કાલિક પાકિસ્તાન પર આંગળી ચિંધી. ભારતે એફએટીએફમાં પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરાવવાની કોશિશ કરી અને દેખાડયું કે પાકિસ્તાન પ્રત્યે તેમનો એજન્ડા કેવો છે. 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 સમાપ્ત કરવાની સાથે સંદેશ ગયો તે એ છે કે ભારત માત્ર હિંદુઓ માટે છે.