દિલ્હીઃ ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કાશ્મીરમાં પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતા પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદીઓની ઘુસણખોરી મુશ્કેલ બની છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિ મારફતે ભારતને બરબાદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન બોર્ડર ઉપર અંડરગ્રાઉન્ડ ટનલ મારફતે આતંકવાદીઓને ભારતમાં ઘુસડવાની પ્રવૃતિ કરતું હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં આ આતંકવાદીઓને ડ્રોન મારફતે શસ્ત્રો પુરા પાડવામાં આવતા હોવાનું પણ જમ્મુ-કાશ્મીરના પોલીસ વડાએ જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગ સિંહે જણાવ્યુ હતું કે, કાશ્મીરમાં ઘૂસણખોરી રોકવા માટે અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત એન્ટિ–ટનલિંગ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ બોર્ડરની નીચે ટનલો બનાવવી તે પાકિસ્તાની દુષ્ટ્ર રણનીતિનો ભાગ છે અને તેના દ્રારા તેઓ આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડે છે. તાજેતરમાં જ બોર્ડર સાથે જોડાયેલા ગલાર ગામમાં 170 મીટર લાંબી ટનલ શોધી કાઢવામાં આવી હતી. 28મી ઓગસ્ટે બોર્ડર પર તારની વાડ નજીક બીએસએફની ટીમે 20-25 ફુટ પહોળાઈ ધરાવતી ટનલ મળી હતી. જે પાકિસ્તાનમાંથી ખોદવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભૂતકાળમાં પણ ઘૂસણખોરી કરાવવા માટે ટર્નલનો ઉપયોગ કર્યો હતો. બીએસએફ અને પોલીસ કર્મચારીઓ આ વિસ્તારમાં અન્ય ટર્નલો શોધી કાઢવા માટે તપાસ તેજ બનાવી છે.