ઈસ્લામાબાદ : જમ્મુ-કાશ્મીર પર ભારતના નિર્ણયથી ખળભળી ઉઠેલા પાકિસ્તાનની લુખ્ખી ધમકીઓ અવિરતપણે ચાલુ છે. પાકિસ્તાન તરફથી સતત ભારતની ઉશ્કેરણી કરનારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. પાકિસ્તાને પોતાના સ્વતંત્રતા દિવસ પર ભારત પર નિશાન સાધ્યું છે.
પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ આરિફ અલ્વીએ હવે જેહાદની ધમકી આપી છે. આરિફ અલ્વીએ કહ્યુ છે કે અમે જંગ ઈચ્છતા નથી. પરંતુ જો ભારત યુદ્ધ કરે છે, તો તેમની પાસે જેહાદ અને મુકાબલો કરવા સિવાય કોઈ માર્ગ નહીં હોય.
પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે પોતાના સંબોધનમાં અલ્વીએ કહ્યુ છે કે આજે આખી દુનિયા જોઈ રહી છે કે પાકિસ્તાન કાશ્મીરના લોકો સાથે ઉભું છે અને તેમનો દરેક સંજોગોમાં સાથ આપવા માટે તૈયાર છે.
પાકિસ્તાની રાષ્ટ્રપ્રમુખે કહ્યુ છે કે અમે લોકો કાશ્મીરીઓની મદદ કરવાનું બંધ કરીશું નહીં. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન આ મામલાને લઈને યુએનએસસી સુધી જશે. તેમણે આરોપ લગાવ્યો છે કે ભારતે જમ્મુ-કાશ્મીર પર આવા પ્રકારનો નિર્ણય લઈને સંયુક્ત રાષ્ટ્રના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
તેમણે ભારત પર શિમલા સમજૂતીને તોડવાનો આરોપ પણ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આ એ જ પાકિસ્તાન છે કે જેણે શિમલા સમજૂતીને ક્યારેય માની નથી અને ન તો અન્ય સમજૂતીઓને કોઈ મહત્વ આપ્યું છે.
જમ્મુ-કાશ્મીરમાં કલમ-370ને અસરહીન કરવી અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવું ભારતે પોતાનો આંતરીક મામલો ગણાવ્યો છે. પરંતુ પાકિસ્તાન આને ભારતનો આંતરીક મામલો નહીં ગણવાની રટ લગાવી રહ્યું છે. પાકિસ્તાને રાજદ્વારી સંબંધો, વેપાર, સમજૌતા-થાર એક્સપ્રોસ, દિલ્હી-લાહોર બસ સેવા પર રોક લગાવી દીધી છે.