દિલ્હીઃ સુશાંત રાજપુત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ થિયરી સામે આવતા એનસીબીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તેમજ દિપીકા પાદુણકોર સહિતની અભિનેત્રીઓની પૂછપરછ કરતા બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા નશીલા પદાર્થોના પ્રયોગની સીમા અને સ્વરૂપ સંબંધે કરવામાં આવેલા સર્વેની ચોંકાવનારી વિગતો સામે આવી છે. સર્વે અનુસાર દેશમાં 10થી 17 વર્ષના વયજૂથના લગભગ 1.48 કરોડ બાળકો અને કિશોરો આલ્કોહોલ, અફીણ, કોકીન, ભાંગ સહિત જાત જાતના નશીલા પદાર્થોનું સેવન કરે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા વર્ષ 2018માં સર્વે કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં વિવિધ નશીલા પદાર્થોનો પ્રયોગ કરનારા 10થી 75 વર્ષના વયજૂથમાં ભારતની જનસંખ્યા રશિયો અને નશીલા પદાર્થોના ઉપયોગથી પેદા થતી વિકૃતિઓ સંદર્ભે તારણો રજુ કરાયા છે. તેની વિગતો તાજેતરમાં જ લોકસભામાં રજુ કરાઈ હતી.
સર્વે અનુસાર દેશમાં મોટા પ્રમાણમાં લોકો દારૂનુ સેવન કરે છે. 10થી 17 વર્ષના વયજૂથના અંદાજે 30 લાખ બાળકો દારૂના નશાની લતે ચડ્યાં છે. આવી જ રીતે 18થી 75 વર્ષના 15.10 કરોડ લોકો દારૂનું સેવન કરે છે. 10થી 17 વર્ષના અંદાજે 40 લાખ બાળકો અને કિશોરો અફીણનો તથા 20 લાખ બાળકો ભાંગનો નશો કરે છે. 50 લાખ બાળકો અને કિશોરો ઉત્તેજક પદાર્થોનું સૂંઘીને તથા કશ દ્વારા લેનારા માદક પદાર્થોનું સેવન કરે છે. તેમજ બે લાખ બાળકો કોકિન અને ચાર લાખ બાળકો ઉત્તેજના પેદા કરનારા પદાર્થોનું સેવન કરે છે.