Site icon hindi.revoi.in

વીર સાવરકરે નહીં, એએમયૂના સ્થાપક સર સૈયદ અહમદ ખાને આપી હતી દ્વિરાષ્ટ્રવાદની થિયરી

Social Share

ભારતના ભાગલાનું કારણ મુસ્લિમ લીગના તત્કાલિન અધ્યક્ષ મહંમદ અલી ઝીણા દ્વારા દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતનો પોતાની મહત્વકાંક્ષા માટે મુસ્લિમ સમુદાયમાં પ્રચાર અન પ્રસાર હતો. પરંતુ આ તથ્યને સ્વીકારવાના સ્થાને દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને આપવાનો આરોપ ભારતમાં કથિત સેક્યુલરપંથી રાજકારણીઓ હિંદુત્વવાદીઓ પર ઢોળતા આવ્યા છે. પરંતુ હકીકત કથિત સેક્યુલરપંથીઓ દ્વારા જણાવાય છે,  તેનાથી અલગ છે. જ્યારે ટૂ નેશન થિયરીની વાત ચાલે છે, ત્યારે મોટાભાગે હિંદુ મહાસભાના નેતા વિનાયક દામોદર સાવરકરનું નામ લેવામાં આવે છે. તેમના 1923 કે 1925માં પ્રકાશિત હિંદુત્વ નામના પુસ્તકને ટાંકવામાં આવે છે. પરંતુ હિંદુત્વ પુસ્તક વાંચવામાં આવે, તો તેમાં વિનાયક દામોદર સાવરકરે હિંદુ રાષ્ટ્રની વાત કરી છે, પરંતુ તેમણે દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતની કોઈ તરફદારી કરી નથી.

ભારતમાં દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને જેમણે સૌથી પહેલા પ્રતિપાદિત કરવાનું કામ કર્યું તેમને ભારતના સેક્યુલરપંથીઓ ઉદારવાદી મુસ્લિમ ગણાવીને તેમની પ્રશંસા કરે છે. ટૂ નેશન થિયરી આપનારા શખ્સનું નામ છે સર સૈયદ અહમદ ખાન, તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંસ્થાપક પણ હતા. તેમને હિંદુ-મુસ્લિમ એકતાનના પ્રણેતા, મુસ્લિમ ઉદારવાદના મસીહા, મુસ્લિમ નવજાગરણના અગ્રદૂત વગેરે તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સર સૈયદ અહમદ ખાનના જીવનની બીજી બાજૂ તરફ કોઈ ચર્ચા કોઈ અભ્યાસ કરવામાં આવ્યો નથી. મહંમદઅલી ઝીણાને પાકિસ્તાનના પિતા કહેવામાં આવે છે. પરંતુ પાકિસ્તાન આંદોલનના ઈતિહાસમાં ઉજાગર થાય છે કે આ આંદોલનના તાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સંસ્થાપક સર સૈયદ અહમદ ખાન સાથે જોડાયેલા મળ છે. જેને કારણે સર સૈયદ અહમદ ખાનને પાકિસ્તાનના પિતામહ કહેવામાં આવે છે. તેમને દ્વિરાષ્ટ્રવાદના જનક પણ કહેવામાં આવે છે. ટૂ નેશન થિયરી પાકિસ્તાન આંદોલનનું મૂળ હોવાનું મહંમદઅલી ઝીણાની મુસ્લિમ લીગ સત્તાવાર રીતે જણાવે છે. દ્વિરાષ્ટ્રવાદના સર સૈયદ અહમદ ખાનના સિદ્ધાંતને ઈકબાલ અને ઝીણાએ વિકસિત કરીને પાકિસ્તાનના નિર્માણનો તેને સૈદ્ધાંતિક આધાર બનાવ્યો છે.

પ્રસિદ્ધ ઈતિહાસકાર ડૉ. રમેશચંદ્ર મજૂમદાર કહે  છે કે સર સૈયદ અહમદ ખાને બે રાષ્ટ્રના સિદ્ધાંતનો પ્રચાર કર્યો જે બાદમાં અલીગઢ આંદોલનનો પાયો બન્યો. તેના પછી મુસ્લિમ અલગ રાષ્ટ્ર છે, તે સિદ્ધાંતને બોલની જેમ એવી ગતિ મળી રહી છે કે તેનાથી પેદા થયેલી સમસ્યઓને પાકિસ્તાન નિર્માણ દ્વારા ઉકેલવામાં આવે.

સર સૈયદ અહમદ ખાન દ્વારા આપવામાં આવેલા દ્વિરાષ્ટ્રવાદના સિદ્ધાંતને કારણે 50 વર્ષ બાદ ઉભરેલી પાકિસ્તાનની માગણીમાં કંઈપણ સૈદ્ધાંતિક રીતે નવું જોડવાની જરૂરત પડી નથી. ઝીણાના જીવનચરિત્રના લેખક હેક્ટર બોલિયાએ લખ્યું છે કે તેઓ ભારતમાં પહેલા મુસ્લિમ હતા કે જેમણે વિભાજન સંદર્ભે બોલવાનું સાહસ કર્યું અને આ ઓળખ કે હિંદુ-મુસ્લિમ એકતા અસંભવ છે, તેમણે અલગ થવું જોઈએ. બાદમાં ઝીણાની ઈછ્છા અનુસાર જે થયું તેનું પિતૃત્વ સર સૈયદ અહમદ ખાનનું છે.

પાકિસ્તાન શાસન દ્વારા પ્રકાશિત આઝાદીના આંદોલનના ઈતિહાસમાં મોઈનુલ હક કહે છે કે હકીકતમાં હિંદમાં પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર સ્થાપિત કરનારા સંસ્થાપકોમાંથી તેઓ (સર સૈયદ) હતા. તેમના દ્વારા જ નાખવામાં આવેલા પાયા પર કાયદે આઝમે ઈમારત બનાવીને પુરી કરી.

પાકિસ્તાનિ યુનિવર્સિટીઓમાં માન્યતા પ્રાપ્ત “અ શોર્ટ હિસ્ટ્રી ઓફ પાકિસ્તાન”ના ચોથા ખંડના નવમાં અધ્યાયમાં મુસ્લિમ રાષ્ટ્રવાદનું આરંભ બિંદુ 1857ના યુદ્ધમાં અસફળતાની પ્રતિક્રિયાને ગણાવવામાં આવ્યું છે. મુસ્લિમો પ્રત્યે બ્રિટિશ આક્રોશને ઘટાડવા અને બ્રિટશ સરકાર તથા મુસ્લિમો વચ્ચે સહયોગનો પુલ બનવા માટે તેમણે યોજનાબદ્ધ પ્રયાસ શરૂ કર્યા. બ્રિટિશ આક્રોશને ઓછો કરવા માટે તેમણે 1858માં રિસાલા અસ બાબ-એ-બગાવત-એ-હિંદ (ભારતીય વિદ્રોહના કારણની મીમાંસા) શીર્ષક હેઠળ પુસ્તિકા લખી, તેમાં તેમણે પ્રમાણિત કરવાની કોશિશ કરી હતી કે આ ક્રાંતિ માટે મુસ્લિમ નહીં, હિંદુ જવાબદાર હતા.

સર સૈયદ અહમદ ખાન ભલે મુસ્લિમોમાં અંગ્રેજી શિક્ષણના પક્ષધર હતા. પરંતુ મુસ્લિમ ધર્મ, ઈતિહાસ, પરંપરા, રાજ્ય અને પ્રતિકો તથા ભાષા માટે ઘણું અભિમાન ધરાવતા હતા. 1867માં અંગ્રેજ સરકારે હિંદી અને દેવનાગરી ભાષાના ઉપયોગનો આદેશ જાહેર કર્યો. યુપીની બહુમતી જનતા હિંદુ હતી. તેમના માટે ઉર્દૂ લીપિ ઘણી કઠિન હતી. માટે આ આદેશ યોગ્ય જ હતો. પરંતુ આમા મુસ્લિમોની અસ્મિતાને વચ્ચે લાવવામાં આવી. સર સૈયદ આ વાતથી ઘણાં બેચેન હતા કે હવે રાજ્ય પછી અમારી ભાષા પણ ગઈ. તેમણે ડિફેન્સ ઓફ ઉર્દૂ સોસાયટીની પણ સ્થાપના કરી હતી. ડૉ. ઈકરામે ક્હ્યુ છે કે આધુનિક મુસ્લિમ ભાગલાવાદની શરૂઆત સર સૈયદ અહમદ ખાને હિંદી વિરુદ્ધ ઉર્દૂના મુદ્દાને હાથમાં લઈને કરી હતી.

સર સૈયદ અહમદ ખાનને મોટાભાગે ઉદારવાદી અને હિંદુ-મુસ્લિમ એકતાના પક્ષધર તરીકે રજૂ કરવામાં આવ્યા છે. 1867થી 1897 સુધી સર સૈયદ અહમદ હિંદુ-મુસ્લિમ મેલજોલની ગોળગોળ વાતો કરતા હતા. તેમના આ વાક્યનો મોટા ભાગે હવાલો આપવામાં આવે છે કે હિંદુ અને મુસ્લિમ વધુની બે આંખોની જેમ છે. પહેલા હિંદુ અને મુસ્લિમને બે કોમ ગણાવતા હતા. કોમ શબ્દનો ઉપયોગ બે સમાજ કે સમુદાય તરીકે તેમણે કર્યો હતો. પરંતુ 1887થી કોમ શબ્દનો ઉપયોગ તેઓ રાષ્ટ્રના સંદર્ભે કરવા લાગ્યા હતા. તેઓ ખુલીને દ્વિરાષ્ટ્રવાદના સમર્થનમાં બોલવા લાગ્યા હતા. (જો કે હિંદુ-મુસ્લિમ દુલ્હનની બે આંખો વાળી ટીપ્પણી સર સૈયદ અહમદ ખાને ક્યારેય કરી જ નહીં હોવાનો એક દાવો પણ થઈ રહ્યો છે. આવું નિવેદન સર સૈયદ અહમદ ખાનને ઉદારવાદી ગણાવવા માટે તેમના નામે ચઢાવવામાં આવ્યું હોવાનો પણ દાવો છે.)

તેમણે 28 ડિસેમ્બર-1887ના રોજ લખનૌમાં અન 14 માર્ચ – 1888ના મેરઠમાં પોતાના લાંબા ભાષણોમાં આ મુદ્દા ઉઠાવ્યા હતા. 1885માં કોંગ્રસની સ્થાપના થઈ અને તેના બે વર્ષની અંદર સર સૈયદ અહમદ ખાન માનવા લાગ્યા હતા કે તત્કાલિન કોંગ્રેસ હિંદુ, મુસ્લિમ અને તમામ મમાટે સેક્યુલર હોવા છતાં તે બહુમતી હિંદુઓની સંસ્થા રહેવાની છે. તેના દ્વારા હિંદુ રાજકીય રીતે સંગઠિત થશે. ભવિષ્યમાં લોકશાહી વ્યવસ્થા આવવાને કારણે બહુસંખ્યક હિંદુઓને જ લાભ થશે. તેના પછી તેમણે હિંદુઓનો ખુલ્લો વિરોધ કરવાની જરૂરત મહેસૂસ કરી અને કર્યું પણ હતું.

14 માર્ચ-1888ના રોજ મેરટમાં આપવામાં આવેલા સર સૈયદ અહમદ ખાનના બેહદ ભડકાઉ ભાષણમાં તેમણે હિંદુઓ અને મુસ્લિમોને બે રાષ્ટ્ર માન્યા હતા.  તેમણે એ વિવાદ છેડી દીધો હતો કે અંગ્રેજોના ગયા બાદ સત્તા કોના હાથમાં આવશે. તેમને દ્રઢ વિશ્વાસ હતો કે હિંદુ-મુસ્લિમ સાથે મળીને આ દેશમાં શાસન કરી શકશે નહીં. તેમને લાગતું હતું કે માત્ર ગૃહયુદ્ધથી જ આનો નિર્ણય થઈ શકે છે. પોતાના ભાષણમાં સર સૈયદે કહ્યુ હતુ કે સૌથી પહેલો સવાલ એ છે કે આ દેશની સત્તા કોના હાથમાં જવાની છે? માની લો, અંગ્રેજ પોતાની સેના, તોપ, હથિયાર અને બાકી તમામ લઈને દેશ છોડીને ચાલ્યા ગયા, તો આ દેશના શાસક કોણ હશે? તે સ્થિતિમાં આ શક્ય છે કે શું હંદુ અને મુસ્લિમ કોમ એક જ સિંહાસન પર બેસશે? નિશ્ચિતપણે નહીં. તેના માટે જરૂરી હશે કે બંને એકબીજાને જીતે, એકબીજાને હરાવે. બંને સત્તામાં સમાન ભાગીદાર બનશે, આ સિદ્ધાંત વ્યવહારમાં લાગુ કરી શકાશે નહીં. તેઓ આનાથી વધારે સ્પષ્ટ શબ્દોમાં દ્વિરાષ્ટ્રવાદને કેવી રીતે પ્રગટ કરી શકતા હતા. આ કોઈ સીધોસાદો રાષ્ટ્રવાદ પણ ન હતો. એક દેશથી બીજા દેશને જીતીને તેના ઉપર રાજ્ય કરવાનો સિદ્ધાંત પણ સર સૈયદ અહમદ ખાનના ભાષણની બિટવિન ધ લાઈન્સ હતી.

તેમણે આગળ કહ્યુ છે કે આ સમયે તમારે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે મુસ્લિમ હિંદુઓથી ઓછા ભલે હોય, પરંતુ તે દુર્બલ છે, એવું માનસો નહીં. તેઓ પોતાના સ્થાનને ટકાવી રાખવા માટે સમર્થ છે. પરંતુ સમજો કે આમ નથી, તો આપણા પઠાણ ભાઈઓ પર્વતો અને પહાડોમાંથી નીકળીને સરદથી લઈને બંગાળ સુધી લોહીની નદીઓ વહાવી દેશે. અંગ્રેજોના ગયા બાદ અહીં કોણ વિજયી હશે, આ અલ્લાહની ઈચ્છા પર નિર્ભર કરે છે. પરંતુ જ્યાં સુધી એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને જીતીને આજ્ઞાકારી નહીં બને, ત્યાં સુધી આ દેશમાં શાંતિ સ્થાપિત નહીં થઈ શકે. કથિત મુસ્લિમ ઉદારવાદી સર સૈયદ અહમદ ખાને ભવિષ્યમાં હિંદુઓ વિરુદ્ધ સશસ્ત્ર જેહાદ કરવાની ઘોષણા પણ કરી હતી. તેમણે કહ્યુ છે કે ભારતમાં પ્રતિનિધિક  સરકાર આવી શકે તેમ નથી, કારણ કે પ્રતિનિધિક શાસન મટે શાસક અને શાસિત લોકો એક જ સમાજમાંથી હોવા જોઈએ.

બાદમાં ઉદારવાદી મ્હોરું ઉતારતા મુસ્લિમોને ઉશ્કેરતા સર સૈયદ અહમદ ખાને કહ્યુ હતુ કે જેવી રીતે અંગ્રેજોએ આ દેશ જીત્યો તેવી જ રીતે આપણે પણ તેને આપણા આધિન રાખીને ગુલામ બનાવ્યો હતો. આવું જ અંગ્રેજોએ આપણા સંદર્ભે કર્યું છે. અલ્લાહે અંગ્રેજોને આપણા શાસક તરીકે નિયુક્ત કર્યા છે. તેમના રાજ્યને મજબૂત કરવા માટે જે કરવું જરૂરી છે, તેને ઈમાનદારીથી કરો. તમે એ સમજી શકો છો, પરંતુ જેમણે આ દેશ પર ક્યારેય શાસન કર્યું જ નથી, જેમણે કોઈ વિજય પ્રાપ્ત જ નથી કર્યો, તેમને (હિંદુઓને) આ વાત સમજમાં આવશે નહીં. હું તમને યાદ અપાવવા માંગુ છું કે તમે ઘણાં દેશો પર રાજ્ય કર્યા છે. તમને ખબર છે કે રાજ્ય કેવી રીતે કરી શકાય છે. તમે 700 વર્ષ ભારત પર રાજ્ય કર્યું છે. અનેક સદીઓ ઘણાં દેશોને પોતાને આધિન રાખ્યા છે. હું આગળ કહેવા ચાહું છું કે ભવિષ્યમાં પણ આપણે કિતાબી લોકોની શાસિત પ્રજા બનવાને સ્થાને (અનેકેશ્વરવાદી) હિંદુઓની પ્રજા બનવાનું નથી.

બીજી ડિસેમ્બર-1857ના લખનૌમાં મુસ્લિમ સમાજની સામે તેમના દ્વારા આપવામાં આવેલા 15 પૃષ્ઠોનું ભાષણ પણ ઉપલબ્ધ છે. તેમાં તેમણે કહ્યુ છે કે હાલ રાજકીય સ્થિતિમાં મુસ્લિમોની શું ભૂમિકા હોવી જોઈએ. એ જણાવતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે કેવી રીતે લોકશાહી નિરર્થક છે. તેઓ કહે છે કે કોંગ્રેસની બીજી માગણી વાઈસરોયની કારોબારીના સદસ્યોને ચૂંટવાની છે. માનો કે એવું થયું કે તામ મુસ્લિમોએ મુસ્લિમ ઉમેદવારોને વોટ આપ્યા, તો દરેકને કેટલા વોટ મળશે. એ તો નક્કી છે કે હિંદુઓની સંખ્યા ચાર ગણી વધારે હોવાને કારણે તેમના ચાર ગણા વધારે સદસ્યો આવશે, પરંતુ ત્યારે મુસ્લિમોના હિત કેવી રીતે સુરક્ષિત રહેશે. હવે એ વિચારો કે કુલ સદસ્યોમાં અડધા સદ્સય હિંદુ અને અડધા મુસ્લિમ હશે તથા તે સ્વતંત્રપણે પોતપોતાના સદસ્યોની પસંદગી કરશે. પરંતુ આજે હિંદુઓ સાથે બરાબરી કરનારો એકપણ મુસ્લિમ નથી. આવા પ્રકારે સર સૈયદ અહમદ અનુપાતિક પ્રતિનિધિત્વ જ નહીં, પણ સમાન પ્રતિનિધિત્વથી પણ સંતુષ્ટ ન હતા.તેમને યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ લાગતો હતો. તેમની નજરમાં મુસ્લિમ ફરીથી ભારતના શાસક બને તે સમસ્યાનો ઉકેલ હતો. તેમણે આગળ કહ્યુ છે કે ક્ષણભર માટે વિચારો કે તમે કોણ છો? તમારું રાષ્ટ્ર ક્યું છે? અમે એ લોકો છીએ જેમણે ભારત પર છથી સાત સદી રાજ્ય કર્યું છે. આપણા હાથમાંથી જ સત્તા અંગ્રેજો પાસે ગઈ. આપણું (મુસ્લિમ) રાષ્ટ્ર તેમના લોહીથી બનેલું છે, જેમણે સાઉદી અરેબિયા જ નહીં, એશિયા અને યુરોપને પોતાના પગ નીચે કચડયા છે. આપણું રાષ્ટ્ર એ છે જેમણે તલાવરથી એકધર્મીય ભારતને જીત્યું છે. મુસ્લિમ જો સરકાર વિરુદ્ધ આંદોલન કરે તો તે તે હિંદુઓના આંદોલનની જેમ નરમ નહીં હોય. ત્યારે આંદોલનની વિરુદ્ધ સરકારે સેના બોલાવવી પડશે. બંદૂક વાપરી પડશે. જેલ ભરવા માટે નવા કાયદા બનાવવા પડશે.

હમીદ દલઈએ તેમના સંદર્ભે કહ્યુ હતુ કે 1887 બદરુદ્દીન તૈયબજી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તેમની સાથે કેટલાક મુદ્દાઓ પર સૈયદને મતભેદ હતા. ત્યારે તૈયબજીએ લખેલા પત્રમાં સર સૈયદે કહ્યુ હતુ કે હકીકતમાં કોંગ્રેસ નિશસ્ત્ર ગૃહયુદ્ધ ખેલી રહી છે. આ ગૃહયુદ્ધનો ઉદેશ્ય છે કે દેશનું રાજ્ય કોના (હિંદુઓ અથવા મુસ્લિમો) હાથમાં આવશે. અમે પણ ગૃહયુદ્ધ ઈચ્છીએ છીએ, પરંતુ તે નિશસ્ત્ર નહીં હોય. જો અંગ્રેજ સરકાર આ દેશના આંતરીક શાસનને આ દેશના લોકોના હાથમાં સોંપવા ચાહે છે, તો રાજ્ય સોંપવાથી પહેલા એક સ્પર્ધા, પરીક્ષા થવી જોઈએ. જે આ સ્પર્ધામાં વિજયી થશે, તેના હાથમાં સત્તા સોંપવી જોઈએ. પરંતુ આ પરીક્ષામાં આપણે આપણા પૂર્વજોની કલમનો ઉપયોગ કરવો જોઈએ. આ કલમ સાર્વભૌમત્વની કલમ લખનારી અસલી કલમ છે (એટલે કે તલવાર). આ પરીક્ષામાં જે વિજયી થાય, તેને દેશનું રાજ્ય આપવામાં આવે.

અલીગઢ સંસ્થાના 1 એપ્રિલ, 1890ના રાજપત્રમાં તેમણે ભવિષ્યવાણી કરી હતી કે જો સરકારે આ દેશમાં જનતાંત્રિક સરકાર સ્થાપિત કરી, તો દેશના વિભિન્ન ધર્મોના અનુયાયીઓમાં ગૃહયુદ્ધ થયા વગર રહેશે નહીં. 1893માં એક આર્ટિકલમાં તેમણે ધમકી પણ આપી હતી કે આ રાષ્ટ્રમાં મુસ્લિમ લઘુમતી છે. પરંતુ તેમ છતાં પરંપરા એવી છે કે જ્યારે બહુમતી તેમને દબાવવાની કોશિશ કરે છે, તો તેઓ હાથોમાં તલવારો લઈ લે છે. જો આવું થયું તો 1857થી પણ ભયાનક આફત આવ્યા વગર રહેશે નહીં.

સર સૈયદની વિચારધારાની ખાસિયત એ હતી કે તેમણે મુસ્લિમ હિતોને સ્વતંત્ર અને અલગ રીતે વિચારવાનું શરૂ કર્યું હતું. આવી રીતે હિંદુઓ અને મુસ્લિમોમાં એક ભેદનું નિર્માણ કરવાનું તેમણે કામ કર્યું. માટે સર સૈયદ અહમદ ખાનને ભાગલાવાદના પિતા પણ કહેવામાં આવે છે. આ ભાગલાવાદ અને દ્વિરાષ્ટ્રવાદની પરિણતિ ભારતના ભાગલામાં પરિણામી હતી. સર સૈયદ અહમદ ખાનની આવી દ્વિરાષ્ટ્રવાદી અને ભાગલાવાદી વિચારધારાનો પ્રવાહ ઝીણા સુધી સતત વહેતો રહ્યો હતો. આઝાદ ભારતમાં કથિત સેક્યુલરપંથી વિચારધારાના લોકોની તુષ્ટિકરણની નીતિ પણ આવા તત્વો માટે પ્રોત્સાહક રહી છે અને તેથી જ તો ટુકડે-ટુકડે ગેંગ વખતોવખત પેદા થઈને ભારતને પડકારવાની કોશિશોમાં રહે છે.

Exit mobile version