દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપીને તેમના મારફતે ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવાના મનસુબા રાખી રહ્યું છે. બીજી તરફ ભારત સરકારે આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે આકરા પગલા ભર્યાં છે. દરમિયાન NIA એ દેશમાં આતંકવાદી પ્રવૃતિઓને મદદ કરનારા શખ્સોને ઝડપી લેવા ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત પશ્ચિમ બંગાળ અને કેરલમાં વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. તેમજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન અલકાયદાના સાથે જોડાયેલા 9 આતંકવાદીઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં અલકાયદના આંતરરાજ્ય મોડ્યુલની એનઆઈએને માહિતી મળી હતી. આ આતંકવાદી સંગઠન દેશમાં મહત્વના સ્થળો ઉપર આતંકવાદી હુમલાનું કાવતરૂ કરી રહી હતી. દરમિયાન બંગાળના મુર્શિદાબાદ અને કેલના અર્નાકુલમમાં NIA દ્વારા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યાં હતા. દરમિયાન બંગાળમાંથી 6 અને કેરલમાંથી 3 ત્રાસવાદીઓને દબોચી લેવાયાં હતા. આતંકવાદીઓ પાસેથી ડિજીટલ ઉપકરણ, દસ્તાવેજ, જેહાદી સાહિત્ય, હથિયાર, વિસ્ફોટક ઉપકરણ બનાવવા માટેના સામગ્રી મળી આવી હોવાનું જાણવા મળે છે.
NIAની પ્રાથમિક તપાસમાં આ શખ્સોને સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન અલકાયદાએ કટ્ટરપંથી બનાવ્યાં હોવાનું ખૂલ્યું હતું. તેમજ વિવિધ શહેરો-નગરોમાં હુમલો કરવા માટે તૈયાર કરવામાં આવ્યાં હતા. હુમલા કરવા માટે કેટલાક આતંકવાદીઓ હથિયાર અને વિસ્ફોટક સામગ્રીની ખરીદી માટે દિલ્હી જવાના હોવાનું પણ તપાસમાં ખૂલ્યું હતું. NIA એ મુર્શીદ હસન, યાકુલ વિસ્વાસ, મોર્શફ હુસેન, નજમુસ સાકિબ, અબુ સુફિયાન, મૈનુલ મંડલ, લીયુ યીન અહમદ, અલ મામૂન કમાલ અને અતિતુર રહેમાન નામના આતંકવાદીઓની ધરપકડ કરી છે.