Site icon Revoi.in

NDA પૂર્વ સહયોગી ઉપેન્દ્ર કુશવાહા બોલ્યા- રિઝલ્ટમાં ગરબડ થઈ તો રસ્તા પર વહેશે લોહી

Social Share

લોકસભા ચૂંટણીની મતગણતરી પહેલા જ બિહાર મહાગઠબંધનના નેતાઓએ ધમકી આપવી શરૂ કરી દીધી છે. પટનામાં પ્રેસ કોન્ફરન્સ કરીને મહાગઠબંધનના નેતાઓએ ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે જો લોકસભા ચૂંટણી પરિણામોમાં કંઇ ગરબજ કરવાનો પ્રયત્ન કર્યો તો તેઓ હિંસા અને હથિયાર ઉઠાવવા પર મજબૂર થઈ જશે.  

એનડીએ સરકારમાં ક્યારેક નરેન્દ્ર મોદીના સહયોગી રહેલા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP)ના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે તેઓ એક્ઝિટ પોલને સાવ જ વખોડી કાઢે છે. તેમણે કહ્યું કે મહાગઠબંધનના સમર્થકોને નીચા દર્શાવવા માટે જાણીજોઇને એક્ઝિટ પોલનો સહારો લેવામાં આવી રહ્યો છે. કુશવાહાએ હિંસાની ધમકી આપતા કહ્યું કે લોકોમાં આક્રોશ એટલો છે કે જો કોઈ ખૂનખરાબો થાય છે તો તેના જવાબદાર નીતિશ કુમાર અને કેન્દ્ર સરકાર હશે. કુશવાહાએ કહ્યું કે મતગણતરીના દિવસે અમારા સમર્થકો અને જનતા તૈયાર રહે કારણકે આ લોકો કંઇપણ કરી શકે છે. તેમણે કહ્યું કે જો રિઝલ્ટ લૂંટવાની ઘટના થઈ તો રસ્તાઓ પર લોહી વહેશે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદનમોહન ઝાએ કહ્યું કે એક્ઝિટ પોલ કરીને જનતાને બહેલાવવામાં આવી રહી છે. સત્ય એક્ઝિટ પોલના આંકડાઓથી ઘણું દૂર છે. તેમણે કહ્યું કે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા મજબૂતીથી કરવામાં આવે. મદનમોહન ઝાએ પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે તેઓ સ્ટ્રોંગ રૂમ પાસે અડીખમ ઊભા રહે.

વિકાસશીલ ઇન્સાનિયત પાર્ટીના મુકેશ સાહનીએ નરેન્દ્ર મોદીને ચોર જણાવતા કહ્યુ કે ચોકીદાર ચોર છે, એટલે તેઓ પોતાના સમર્થકોને અપીલ કરે છે કે તેઓ મજબૂતીથી ઇવીએમની સુરક્ષા કરે કારણકે તમારી સામેનો આ માણસ કંઇપણ કરી શકે છે.