હૈદરાબાદ : ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ શાસિત તેલંગાણામાં નેશનલ શિડ્યુલ કાસ્ટ રિઝર્વેશન પરિરક્ષણ સમિતિના અધ્યક્ષ કરણી શ્રીશૈલમ પર એક પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીના સ્કોલર પી. એલેક્ઝાન્ડર અને તેમના સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે.
બંને તરફથી સામસામે ફરિયાદ કરવામાં આવી છે. એલેક્ઝાન્ડરે પણ ફરિયાદમાં કહ્યુ છે કે શ્રીશૈલમના ટેકાદારોએ તેમના ઉપર પહેલા હુમલો કર્યો હતો. આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ ઘટના હૈદરાબાદ ખાતે એક પ્રેસ ક્લબની છે. જે વખતે હુમલો થયો, ત્યારે શ્રીશૈલમ ગુરુકુલ પાઠશાળા (તેલંગાણામાં એસસી-એસટી માટે આવાસીય વિદ્યાલય)માં થઈ રહેલી અનિયમિતતાના મામલે ભાષણ આપી રહ્યા હતા.
કરણી શ્રીશૈલમ જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા, ત્યારે સામેથી એક યુવક તેમની પાસે ગયો અને તેમના ઉપર હુમલો કર્યો હતો. ત્યાં હાજર લોકોએ તેના પછી શ્રીશૈલમને ઘેરી લીદા અને હુમલાખોરને રોકવાની કોશિશ કરી હતી.
જ્યારે આ લોકો શ્રીશૈલમને ઘેરીને બહાર કાઢયા, ત્યારે પણ હુમલાખોર પાછળ-પાછળ આવ્યો અને હુમલાખોરે બહાર પણ તેમની ઉપર હુમલો કર્યો હતો. બાદમાં લોકોએ હુમલાખોરને પકડયો હતો, ત્યારે મામલો કંઈક થાળે પડયો હતો.