Site icon Revoi.in

વંદે ભારત મિશનનો 5મો તબક્કો 1 ઑગસ્ટથી થશે શરૂ, આ દેશોમાંથી ભારતીયોને પરત લવાશે

Social Share

કોરોના વાયરસના સંક્રમણ બાદ લાગુ થયેલા લોકડાઉનને કારણે અનેક ભારતીયો વિદેશમાં ફસાઇ ગયા છે જેને પરત ભારત લાવવા માટે ભારત સરકારે વંદે ભારત મિશન શરૂ કર્યું છે જેના ચાર તબક્કા પૂર્ણ થઇ ચૂક્યા છે ત્યારે હવે સરકાર પાંચમો તબક્કો શરૂ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ મારફતે આ માહિતી આપી હતી. પાંચમો તબક્કો 1 ઑગસ્ટથી 31 ઑગસ્ટ સુધી ચાલશે.

પ્રાપ્ત વિગતો અનુસાર વંદે ભારત મિશનના પાંચમાં તબક્કા હેઠળ અમેરિકા, કેનેડા, કતાર, ઓમાન, યુએઇ, ઓસ્ટ્રેલિયા, જર્મની, થાઇલેન્ડ, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાં ભારતીયોને પરત લાવવામાં આવશે.

આપને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે 7મેના રોજ વંદે ભારત મિશન શરૂ કર્યું હતું અને અત્યારે તેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં 1197 ફ્લાઇટ્સનું શેડ્યુઅલ તૈયાર કર્યું છે તેમાં 945 આંતરરાષ્ટ્રીય અને 252 ફીડર ફ્લાઇટ સામેલ છે.

નોંધનીય છે કે, વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 8.14 લાખ ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા છે. તેમાંથી 2.70 લાખ ભારતીયોને 53 દેશોમાંથી ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે. આ મિશન અંતર્ગત એર ઈન્ડિયા સહિત વિવિધ એરલાઈન્સ કંપનીઓને ઉડાન ભરવાની મંજૂરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મિશન અંતર્ગત 1.03 લાખ ભારતીય નેપાલ, ભૂતાન, અને બાંગ્લાદેશનના રૂટથી દેશમાં પરત ફર્યા છે.

(સંકેત)