Site icon Revoi.in

લોન મોરેટોરિયમ પર સુપ્રીમે આપી રાહત, 15 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ નહીં લાગે

Social Share

નવી દિલ્હી:  લોન મોરેટોરિયમ મામલે સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મોરેટોરિયમ સુવિધાનો ફાયદો લેનાર લોકોને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ આપવું પડશે નહીં. તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 15 નવેમ્બર સુધી કોઇનું લોન એકાઉન્ટ નોન પરફોર્મિંગ એસેટ્સ જાહેર કરવામાં આવશે નહીં કારણ કે અમે તેના પર પ્રતિબંધ લગાવ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, અગાઉ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત રહેનાર સોલિસિટર જનરલ અને RBI અને બેંકોના વકીલ હરીશ સાલ્વેએ આ મામલાની સુનાવણી ટાળવાની અપીલ કરી હતી. આ પછી મામલાની સુનાવણી 2 નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને જલ્દી લાગુ કરવી જોઇએ. આ માટે કેન્દ્ર સરકારને એક મહિનાનો સમય કેમ જોઇએ છે. જો સરકાર આ મુદ્દે કોઇ નિર્ણય લેશે તો અમે આદેશ તરત પારિત કરીશું.

હાલમાં તો સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે કે વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઇને 2 નવેમ્બર સુધી સર્કુલર લાવવામાં આવે. તેના પર પ્રતિક્રિયા આપતા સોલિસિટર જનરલે કહ્યું હતું કે સરકાર 2 નવેમ્બર સુધી વ્યાજ પર વ્યાજ માફી સ્કીમને લઇને સર્કુલર જાહેર કરી દેશે.

(સંકેત)