Site icon hindi.revoi.in

ચીનની LAC પર ફેરફારની મહેચ્છા, ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર : રક્ષા મંત્રી

Social Share

– સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ પર આપ્યું નિવેદન
– ચીનની એલએસીમાં ફેરફાર કરવાની મહેચ્છા છે
– ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે – રક્ષા મંત્રી

સંસદના ચોમાસું સત્રના ચોથા દિવસે રક્ષા મંત્રી રાજનાથ સિંહે LAC પર ચીનની સાથે ચાલી રહેલા તણાવ (India China Faceoff) પર નિવેદન આપ્યું છે. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ચીનની એલએસીમાં ફેરફાર કરવાની મહેચ્છા છે, જો કે ભારતીય જવાનોએ તેની ઇચ્છાને પહેલા જ પારખી લીધી છે. રક્ષા મંત્રીએ એમ પણ કહ્યું કે ભારતીય સૈનિકો દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

રાજ્યસભામાં ભારત-ચીન તણાવ પર નિવેદન આપતા રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, 15 જૂને કર્નલ સંતોષ બાબૂએ પોતાના 19 બહાદુર સૈનિકોની સાથે ભારતની અંખડતાની રક્ષા કરવાના ઉદ્દેશથી ગલવાન ઘાટીમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. આપણા વડાપ્રધાન ખુદ સેનાનું મનોબળ વધારવા માટે લદ્દાખ ગયા હતા. આપણા સશસ્ત્ર દળોએ સ્પષ્ટ રીતે નિયમોનું પાલન કર્યું છે, જ્યારે ચીન તેનાથી પાછળ હટ્યું છે.

ચીનની હરકતો પર રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, ચીનની કાર્યવાહી આપણા વિભિન્ન દ્વિપક્ષીય સમજૂતીનું ઉલ્લંઘન છે. ચીન દ્વારા સૈનિકોની કાર્યવાહી વર્ષ 1993 અને વર્ષ 1996ની સમજૂતીની વિરુદ્વ હતું. વાસ્તવિક નિયંત્રણ રેખાનું સન્માન અને કડક નિરીક્ષણ કરવું એ સરહદી વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવાનો આધાર છે.

ચીનના મુદ્દે કોંગ્રેસે પણ સરકારને સાથ આપ્યો હતો, કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ સરકારને ટેકો આપતા કહ્યું હતું કે, ચીનના મુદ્દે અમે સરકારની સાથે છીએ. આપણે સૌ એકજૂથ છીએ. બીજી તરફ, પૂર્વ રક્ષા મંત્રી એકે એન્ટનીએ કહ્યું કે દેશના જવાનોની સાથે ઊભા છીએ.

 

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી ભારત-ચીન વચ્ચે સરહદ પર વિવાદ સતત વધી રહ્યો છે. બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની અનેકવાર મંત્રણાઓ થઇ ચૂકી છે તેમ છત્તાં ચીને પોતાની અવળચંડાઇ ચાલુ રાખી છે અને ચીન લદ્દાખ અને અરુણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં તેની સૈન્ય ગતિવિધિઓ વધારી રહ્યું છે અને અતિક્રમણના પણ પ્રયાસો કરી રહ્યું છે.

(સંકેત)

Exit mobile version