Site icon Revoi.in

લોનના વ્યાજ પર વ્યાજ માફીનો મામલો, સરકારે સુપ્રીમને કહ્યું ‘હવે વધુ રાહત નહીં આપી શકાય

Social Share

નવી દિલ્હી: શુક્રવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કહી દીધું કે હવે વધુ રાહત આપવાના મૂડમાં નથી. સરકાર લોનનો મોરેટોરિયમ પીરિયડ વધારવા કે પછી EMI મુલતવી રાખવાની વધુ રાહત આપવાના મૂડમાં નથી. કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સરકારે વિવિધ ક્ષેત્રોને પૂરતા રાહત પેકેજ આપ્યા છે. વર્તમાન મહામારી વચ્ચે હવે આ ક્ષેત્રોને વધુ રાહત આપવી શક્ય નથી.

કેન્દ્ર સરકારે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે નાણાકીય નીતિઓના મામલે હસ્તક્ષેપ ના કરવો જોઇએ. PIL દ્વારા કોઇ ચોક્કસ ક્ષેત્ર માટે રાહતની માંગ કરી શકાતી નથી. કેન્દ્ર સરકારના સોગંદાનામા મુજબ 2 કરોડ સુધીની લોન માટે વ્યાજ પર વ્યાજ માફ કરવા સિવાયની કોઇપણ રાહત રાષ્ટ્રીય અર્થતંત્ર અને બેંકિગ ક્ષેત્ર માટે નુકસાનકારક છે.

અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, રૂ.2 કરોડ સુધીની MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યુમર અને ઓટો લોન પર લાગુ કમ્પાઉન્ડ વ્યાજ માફ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ બેલેન્સ પર પણ આ વ્યાજ એકત્રિત કરવામાં આવશે નહીં. ત્યારબાદ સર્વોચ્ચ કોર્ટે વિવિધ ક્ષેત્રોના લોન ધારકોને રાહત આપવાની બાબત ધ્યાનમાં લેવા સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રિઝર્વ બેંકની પાછળ પોતાને છુપાવવી જોઈએ નહીં અને એફિડેવિટ ફાઇલ કરીને પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

(સંકેત)