- દેશમાં કોરોનાના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ સામેલ
- મહારાષ્ટ્રમાં હવે ટેક્સી, બસ, દુકાનો અને મોલમાં માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું
- માસ્ક વગર ટેક્સી અને બસ યાત્રા પર પ્રતિબંધ, મોલ કે દુકાનમાં પણ નહીં કરી શકાય પ્રવેશ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે લોકો કોવિડ-19ની ગાઇડલાઇન્સનું પાલન કરે તે માટે વધુ કડકાઇભર્યું વલણ અપનાવ્યું છે. માસ્ક નહીં તો પ્રવેશ નહીં. બૃહદ મુંબઇ મહાનગરપાલિકા કડકાઇની સાથે આ નિયમોનું પાલન કરાવવાની તૈયારી કરી રહી છે. મુંબઇમાં હવે તમામ ટેક્સી અને બસોમાં યાત્રા કરવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય બની રહેશે. તે ઉપરાંત દુકાનો અને મોલમાં પ્રવેશ માટે માસ્ક પહેરવું ફરજીયાત બનશે. જો કોઇ મુંબઇકર માસ્ક નહીં પહેરે તો તેને બસ અને ટેકીસમાં યાત્રા કરવાની મંજૂરી નહીં મળે તેમજ દુકાનો અને મોલમાં પ્રવેશ આપવામાં નહીં આવે.
દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસના સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત રાજ્યમાંથી એક છે. આ જ કારણોસર મુંબઇમાં કોવિડ-19ના પ્રસારને અંકુશમાં રાખવા અને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે પ્રભાવિત રાજધાની મુંબઇ રહી છે.
મહારાષ્ટ્રમાં પહેલા જ સાર્વજનિક સ્થળો ઉપર માસ્ક પહેરવાના નિયમો લાગુ કરી દેવામાં આવ્યાં છે. તેના ઉલ્લંઘન ઉપર પ્રશાસને મોટું પગલું ઉઠાવ્યું છે. આ નિયમનો કડક અમલ કરવામાં આવશે.
કોરોના સંક્રમણની સ્થિતિ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણના જોખમને જોતા સરકાર સાવધાનીથી પગલાં ઉઠાવી રહી છે અને SOP ને પણ તે રીતે તૈયાર કરવામાં આવી છે. સરકારે લોકોને માસ્ક પહેરવા, હાથ સ્વચ્છ રાખવા અને સામાજીક અંતર બનાવી રાખવાની અપીલ કરી છે.
(સંકેત)