Site icon hindi.revoi.in

કોરોનાને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર, લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી અનિવાર્ય

Social Share

નવી દિલ્હી: દેશભરમાં દિવાળી બાદ કોરોનાનું સંક્રમણ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યું છે ત્યારે હવે ગૃહ મંત્રાલયે કોરોના વાયરસ મહામારીને લઇને કન્ટેઇનમેન્ટ ઝોન, સર્વેલેન્સ અને સાવધાનીને લઇને નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ત્યાં કડકાઇથી નિયમોનું પાલન કરવામાં આવે. ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કડકાઇથી નિયમોનું પાલન કરાવવાનો નિર્દેશ આપ્યો છે. તે ઉપરાંત ભીડભાડ વાળા સ્થાનો પર સાવધાની રાખવા અને ભીડને નિયંત્રિત કરવાને લઇને પણ નિર્દેશ આપ્યો છે.

સરકારે વધુમાં ઉમેર્યું હતું કે કોવિડ-19ની પરિસ્થિતિના પોતાના આકલનના આધારે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ ફક્ત કન્ટેઇનમેન્ટ ક્ષેત્રોમાં રાત્રી કર્ફ્યૂ જેવા સ્થાનિક પ્રતિબંધ લગાવી શકે છે. કન્ટેઇનમેન્ટ ઝોન બહાર કોઇપણ પ્રકારના સ્થાનિક લોકડાઉન લાગુ કરતા પહેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોએ કેન્દ્ર પાસેથી પરવાનગી લેવી પડશે.

સરકારની ગાઇડલાઇન્સ અનુસાર કન્ટેઇનમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ગતિવિધિઓને જ મંજૂરી આપવામાં આવશે. તે સુનિશ્વિત કરવા માટે સ્થાનિક જીલ્લા પોલીસ અને નગરપાલિકાના અધિકારી જવાબદાર રહેશે. સાથે તેમણે કન્ટેઇનમેન્ટ ઝોનમાં નિયમોનું કડકાઇથી પાલન પણ કરાવવું પડશે. જ્યારે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સંબંધિત અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ કાર્યાલયમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જે શહેરોમાં સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે આવશ્યક છે.

(સંકેત)

Exit mobile version