- ખેડૂતોને આર્થિક સક્ષમ બનાવવા કેરળ સરકારની પ્રશંસનીય પહેલ
- ખેડૂતો માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા
- આ પ્રકારની પહેલ કરનારું કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું
તિરુવનંતપુરમ: કેરળ રાજ્યએ વધુ એક સારી પહેલ કરી છે. કેરળ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં ખેડૂત માટે ફળ-શાકભાજીના ટેકાના ભાવ (MSP) નક્કી કરવામાં આવ્યા છે. ભાવ ઉત્પાદન કિંમતથી 20 ટકા વધુ હશે. હાલ સરકારે 16 ફળ-શાકભાજીના ભાવ નક્કી કર્યા છે. તે ઉપરાંત ખાવા-પીવાની 21 ચીજવસ્તુઓની MSP પણ નક્કી કરવામાં આવી છે. યોજના 1 નવેમ્બરથી લાગુ થશે.
આ યોજનાથી ખાસ કરીને 15 એકર સુધીમાં ખેતી કરનારા ખેડૂતોને ફાયદો થશે. રાજ્યમાં એને વેચવા માટે 1 હજાર સ્ટોર પણ શરૂ કરવામાં આવશે. કેરળની આ પહેલ બાદ પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક રાજ્યોના ખેડૂતો પણ આ પ્રકારની યોજનાનું અમલીકરણ કરવાની માંગણી કરી રહ્યા છે.
આ અંગે માહિતી આપતા કેરળના મુખ્યમંત્રી પી.વિજયને જણાવ્યું કે, આ યોજના ખેડૂતોને આર્થિક રીતે વધુ સમર્થ બનાવશે. શાકભાજીનું આધાર મૂલ્ય તેની ઉત્પાદન-કિંમતથી 20 ટકા વધુ હશે. જો બજાર મૂલ્ય એનાથી પણ નીચે જતું રહે તો ખેડૂતો પાસેથી તેમના પાકને આધાર મૂલ્ય પર ખરીદવામાં આવશે.
શાકભાજીને ગુણવત્તા અનુસાર વહેંચવામાં આવશે અને આધાર મૂલ્ય એ મુજબ જ નક્કી કરવામાં આવશે. કેરળમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં શાકભાજીનું ઉત્પાદન 7 લાખ ટનથી વધીને 14.72 લાખ ટન થઇ ગયું છે.
મહત્વનું છે કે, હવે મહારાષ્ટ્રમાં પણ આવી યોજનાની માંગણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં ખેડૂતો દ્રાક્ષ, ટામેટાં અને ડુંગળી જેવા પાકોને લઇને ખૂબજ ચિંતાતુર છે. ત્રણ વર્ષ પહેલાં અહીંના ખેડૂતોને દ્રાક્ષ 10 રૂપિયા કિલોના ભાવે વેચવાની ફરજ પડી હતી જ્યારે તેનો ઉત્પાદનખર્ચ 40 રૂપિયા કિલો સુધી આવી રહ્યો હતો. પંજાબમાં પણ કિસાન સંગઠન આ પ્રકારની યોજના જાહેર કરવા માગ કરી રહ્યું છે.
(સંકેત)