Site icon Revoi.in

રેલવેમાં ખલાસી સિસ્ટમ થશે બંધ, નહીં થાય કોઇ નવી નિયુક્તિ

Social Share

ભારતીય રેલવેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોનાના જમાનાની છે. જો કે હવે ભારતીય રેલવે તેમાંથી અમુક વ્યવસ્થાઓને દૂર કરી રહી છે. ભારતીય રેલવે ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને બંધ કરવા જઇ રહી છે. તેની સાથે જ હવે પ્યૂનની નિયુક્તિ પણ નહીં થાય. રેલવે બોર્ડે તેમની નવી નિયુક્તિ પર રોક લગાવી દીધી છે. રેલવે બોર્ડે તેની સાથે જોડાયેલા આદેશને 6 ઓગસ્ટે જાહેર કરી દીધો છે.

તે ઉપરાંત રેલવે બોર્ડ ટેલીફોન અટેન્ડન્ટ કમ ડાક ખલાસીના પદને લઇને પણ વિચારણા અને સમીક્ષા કરી રહ્યું છે. ડાક ખલાસીની નિયુક્તિ વિશેનો મુદ્દો રેલવે બોર્ડની સમીક્ષાને આધીન છે. તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડાક ખલાસીના રૂપમાં હવે નવી નિયુક્તિ નહીં કરાય.

1 જુલાઇ 2020થી આવી નિયુક્તિઓ માટે અનુમોદિત તમામ મામલાની સમીક્ષા કરવામાં આવી શકે છે અને બોર્ડને આ અંગે સલાહ-સૂચન પણ આપવામાં આવી શકે છે. તમામ રેલવે પ્રતિષ્ઠાનોમાં તેનું ચુસ્તપણે પાલન પણ થઇ શકે છે.

મહત્વનું છે કે, રેલવેના તમામ કોલકાતા, મુંબઇ, સિકંદરાબાદ, ચેન્નાઇ, હુબલી સ્થિત ક્ષેત્રીય કાર્યાલયોમાં ડાક મેસેન્જર હોય છે. આ મેસેન્જરો નિયમિત રીતે સંદેશ લઇને આવતા જતા રહે છે. આ દરેક કામ ફોન, ઇમેઇલ કે ફેક્સના માધ્યમથી થઇ શકે છે પરંતુ આ વ્યવસ્થા પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખવામાં આવે છે. જેને કારણે રેલવેને ખોટ સહન કરવાનો વારો આવે છે.

(સંકેત)