Site icon Revoi.in

કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેઈમ કરનારની સંખ્યા 1 લાખ નજીક પહોંચી, દૈનિક નોંધાય છે 2000 ક્લેઇમ

Social Share

કોરોના હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ ક્લેમ કરનારાઓની સંખ્યા 1 લાખની નજીક
– દરરોજ આશરે 2000 ક્લેમ નોંધાઈ રહ્યા છે
– ક્લેમની રકમ રૂપિયા 1400 કરોડની નજીક પહોંચી

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સ્ફોટક ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે હવે દેશવાસીઓ પણ સતર્કતા અને તકેદારીના ભાગરૂપે કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતરાવી રહ્યા છે. કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ વિશે એક રસપ્રદ માહિતી સામે આવી છે.

એક અહેવાલ અનુસાર કોરોના હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેઈમ કરનારાઓની સંખ્યાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. ક્લેઇમ કરનારાઓની સંખ્યા 1 લાખની નજીક પહોંચી ચૂકી છે. ક્લેઇમની રકમ અંદાજે 1400 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે. સૌથી વધુ ક્લેઈમ કરનારાઓની સંખ્યા મુંબઈની છે.

દેશમાં દૈનિક ધોરણે 50,000 કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. તેમાંથી હેલ્થ ઇન્સ્યોરન્સ દાવાની સરેરાશ સંખ્યા આશરે 2000 જેટલી નોંધાઈ છે.

ક્લેઇમમાં ઝડપી વધારાનું કારણ

પહેલા કોરોનાની સારવાર સરકારી હોસ્પિટલમાં થઈ રહી હતી, પરંતુ હવે ખાનગી હોસ્પિટલમાં પણ કોરોનાની યોગ્ય સારવાર થઈ રહી છે, તેને કારણે વીમાની સુવિધા ધરાવતા લોકો સરકારી ને બદલે ખાનગી હોસ્પિટલમાં સારવાર વધુ લઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે ક્લેઈમમાં ઝડપી વધારો જોવા મળ્યો છે.

નોંધનીય છે કે ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ માર્કેટ અંદાજે 51,000 કરોડનું છે. આગામી સમયમાં ક્લેઇમની સંખ્યા ખૂબ ઊંચે જવાની શકયતા નથી. તેનું કારણ એ છે કે હવે કોરોના સંક્રમણ નાના શહેરોમાં વધુ ફેલાઈ રહ્યું છે જ્યાં ઇન્સ્યોરન્સ લેનારાની સંખ્યા ઓછી છે અને બીજું કારણ એ છે કે ડોક્ટરો પણ કોરોનાના સામાન્ય અસરગ્રસ્ત દર્દીઓને ઘરે રહેવાની સલાહ આપે છે. તેથી હોસ્પિટલનો ખર્ચ ઘટશે.

મહત્વનું છે કે હાલમાં દેશ અને વિદેશની અનેક કંપનીઓ કોરોનાની વેકસીન બનાવવા દિવસ રાત મહેનત કરી રહી છે અને અનેક જગ્યાએ હ્યુમન ટ્રાયલ પણ ચાલી રહી છે છતાં હજુ કોઈ રસીના ચોક્કસ પરિણામ નથી મળી શક્યા.

(સંકેત)