Site icon hindi.revoi.in

તો લોનના EMI ન ભરવામાં મળી શકે છે 2 વર્ષની છૂટ, જાણો આજે સુનાવણીમાં શું થયું

Social Share

– લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે થઇ સુનાવણી
– લોન મોરેટોરિયમને વધુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે – કેન્દ્ર સરકાર
– વ્યાજ પર વ્યાજની વસૂલાત મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

કોરોના વાયરસના સંકટને કારણે દેશમાં માર્ચ મહિનામાં લાગુ થયેલા લોકડાઉનને પગલે મોટા ભાગની ગતિવિધિઓ સ્થગિત થઇ જતા દેશમાં આર્થિક મંદીનો માહોલ જોવા મળ્યો હતો જેને કારણે અનેક લોકો બેરોજગાર બન્યા હતા અને લોકોની આર્થિક સ્થિતિ પણ કફોડી બની હતી. આ વચ્ચે આરબીઆઇએ લોનધારકોને રાહત આપવા માટે લોન મોરેટોરિયમ જાહેર કર્યું હતું. જેમાં લોકને લોનના હપ્તાના સમયગાળામાં રાહત અપાઇ હતી.

આજે લોન મોરેટોરિયમ મામલે દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, લોન મોરેટોરિયમને હજુ બે વર્ષ સુધી લંબાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, લોન મોરેટોરિયમની સમય મર્યાદાને બે વર્ષ સુધી લંબાવી શકાય છે. અમે એવા સેક્ટરની ઓળખ કરી રહ્યા છે જેને મહામારીને કારણે નુકસાન થવા પામ્યું છે અને તેઓને રાહત આપવામાં આવી શકે છે.

બીજી તરફ વ્યાજ પર વ્યાજની વસૂલાત મામલે તુષાર મહેતાએ કોર્ટ પાસેથી સમય માગ્યો છે. તુષાર મહેતાએ સમય માંગતા કહ્યું હતું કે, બેંક એસોસિએશનો, આરબીઆઇ અને કેન્દ્રના અધિકારીઓ વચ્ચે બેઠક કરીને ચર્ચા વિચારણા કર્યા બાદ આ મામલે ઉકેલ લાવી શકાય છે. જો કે સુપ્રીમ કોર્ટે પહેલા જ આ મામલે ત્રણ વાર સુનાવણી ટળી હોવાનું કહીને વધુ સમય આપવાની ના પાડી હતી. હવે આ મામલે વધુ સુનાવણી બુધવારે હાથ ધરાશે.

(સંકેત)

Exit mobile version