Site icon Revoi.in

નહેરૂ-ઇંદિરા પછી પૂર્ણ બહુમત સાથે સત્તામાં પાછા ફરનારા મોદી ત્રીજા વડાપ્રધાન

Social Share

જવાહરલાલ નહેરૂ અને ઇંદિરા ગાંધી પછી નરેન્દ્ર મોદી ત્રીજા એવા વડાપ્રધાન છે, જેઓ લોકસભા ચૂંટણીમાં બીજી વખત પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. ગુરૂવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં જનતાએ ફરીથી પીએમ મોદીને પૂર્ણ જનાદેશ આપ્યો છે. 2014માં બીજેપીએ લોકસભા ચૂંટણીમાં 543માંથી 282 સીટ્સ જીતી હતી.

વર્ષ 1951-1952ની પહેલી લોકસભા ચૂંટણીમાં જવાહરલાલ નહેરૂના નેતૃત્વમાં કોંગ્રેસે પોણા ભાગની સીટ્સ જીતી હતી. તેમણે 1957 અને 1962ની ચૂંટણી પણ પૂર્ણ બહુમતથી જીતી. 1951માં ભારતમાં પહેલીવાર ચૂંટણી થઈ રહી હતી, પરિણામે આ પાંચ મહિના (ઓક્ટોબર 1951થી લઇને ફેબ્રુઆરી 1952) સુધી ચાલી. 1951માં જે સમયે કોંગ્રેસનું વર્ચસ્વ ચરમસીમા પર હતું ત્યારે અન્ય રાજકીય પાર્ટીઓ જેવીકે ભારતીય જનસંઘ, કિસાન મજદૂર પ્રજા પાર્ટી, શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન અને સોશિયલિસ્ટ પાર્ટી આકાર લઇ રહી હતી. 1951-52ના ચૂંટણીમાં 489 સીટ્સમાંથી કોંગ્રેસે 364 સીટ્સ પર કબ્જો કર્યો હતો. પાર્ટીને તે સમયે કુલ વોટ્સમાંથી 45 ટકા વોટ્સ મળ્યા હતા.

1957માં ફરીથી નહેરૂ મેદાનમાં હતા, પરંતુ 1955માં હિંદુ વિવાહ અધિનિયમ પસાર થયા પછી વડાપ્રધાન તરીકે તેમના માટે મુશ્કેલ સમય હતો. તેઓ પાર્ટીની બહાર અને અંદર દક્ષિણપંથી વિચારધારાઓ સામે ઝઝૂમી રહ્યા હતા. આ ઉપરાંત અનેક ભાષાકીય વિવાદો સામે પણ દેશ લડી રહ્યો હતો. પરિણામે 1953માં રાજ્ય પુનર્ગઠન સમિતિની રચના પછી ઘણા રાજ્યોનું નિર્માણ ભાષાના આધારે થયું. દેશમાં ખાદ્યાન સંકટને લઇને પણ આક્રોશ હતો.

જોકે આ બધા છતાંપણ 1957ની ચૂંટણીમાં 494 સીટ્સમાંથી કોંગ્રેસને 371 સીટ્સ મળી અને વોટશેર પણ વધ્યો. 1951-52માં જ્યારે વોટશેર 45 ટકા હતો, તે વધીને 47.78 ટકા થઈ ગયો. 1962માં નહેરૂની આગેવાનીમાં કોંગ્રેસને 494 સીટ્સમાંથી 361 સીટ્સ મળી. આઝાદીના 20 વર્ષ પછી દેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ દેશના રાજકારણમાં ઘટવા લાગ્યું. 1967માં કોંગ્રેસને 6 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર મળી. આ રાજ્યોમાં તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ પણ સામેલ હતા, જ્યાં કોંગ્રેસને પહેલીવાર હાર મળી હતી.

જોકે 1967ની ચૂંટણીમાં જવાહરલાલ નહેરૂની દીકરી ઇંદિરા ગાંધીને 520 સીટ્સમાંથી 282 પર જીત મળી. લોકસભા ચૂંટણીમાં આ ઇંદિરા ગાંધીની પહેલી જીત હતી. 1969માં કોંગ્રેસે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને બહારનો રસ્તો બતાવી દીધો, જેમને કોંગ્રેસ (ઓ) કહેવામાં આવ્યા. આ કોંગ્રેસી જૂથનું નેતૃત્વ મોરારજી દેસાઈએ કર્યું. આ જ સમય હતો, જ્યારે ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો, જેનો મતદાતાઓ પર ઘણો પ્રભાવ પડ્યો.

પરિણામ એ રહ્યું કે 1971ની લોકસભા ચૂંટણીમાં ઇંદિરાની કોંગ્રેસે 352 સીટ્સ જીતી. 1977ની ચૂંટણીમાં પહેલીવાર કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ગઈ. આ ચૂંટણીમાં જનતા પાર્ટી ગઠબંધનને 298 અને કોંગ્રેસને 153 સીટ્સ મળી. મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા, પરંતુ સરકાર મતભેદોના કારણે ચાલી શકી નહીં. 1980માં ઇંદિરા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસને 353 સીટ્સ મળી હતી.

ઉલ્લેખનીય છે કે 2019 માટે પરિણામો પહેલા આજતકે એક્સિસ માય ઇન્ડિયા સાથે મળીને જે એક્ઝિટ પોલ્સ આપ્યા હતા તેમાં એનડીએને 339-365 સીટ મળવાનો અંદાજ દર્શાવ્યો હતો જે સાચો પડ્યો. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદી ફરી એકવાર પૂર્ણ બહુમતની સરકાર બનાવશે.