– આનંદ શુક્લ
- પાકિસ્તાન મજહબી ઉન્માદી ઈસ્લામિક દેશ
- ગઝનવી, ઘોરી, બાબાર, અબ્દાલી, તૈમુર પાકિસ્તાની મિસાઈલોભારત અને હિંદુ
- વિરોધી માનસિકતાને ન્યાયોચિત્ત ઠેરવવાની કોશિસ એટલે જિન્નાવાદી નકલી પાકિસ્તાની રાષ્ટ્રવાદ
પાકિસ્તાનનો ઉદભવ અને અસ્તિત્વ ભારત અને હિંદુ વિરોધની વિચારધારા અને રંજાડવાની લાગણીઓ પર થયું છે. પાકિસ્તાનને બન્યાને 72 વર્ષનો સમયગાળો વિતી ચુક્યો છે. પરંતુ પાકિસ્તાનના શાસકો, પાકિસ્તાની સેના અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની ભારત અને હિંદુઓને રંજાડવાની વૃત્તિ–પ્રવૃત્તિ ધરાવે છે. ભારતમાં છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા જમ્મુ-કાશ્મીરને રંજાડતા ઈસ્લામિક આતંકવાદ અને તેના પહેલા પંજાબમાં શીખ ઉગ્રવાદ પાકિસ્તાનની મધ્યયુગીન હુમલાખોર માનસિકતાવાળા શાસકોના કરતૂતોનું જ કારણ છે.
પાકિસ્તાન આમ તો ભારતના મુકાબલે કોઈપણ રીતે ઉભું રહી શકે તેમ નથી. ભારતનું સંરક્ષણ તંત્ર પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને નહીં, પણ વૈશ્વિક પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને 130 કરોડ લોકોના દેશને છાજે તેવી રીતે 1947થી બનાવવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાને 1947થી લઈને અત્યાર સુધી ભારત અને હિંદુ વિરોધ સિવાય કોઈપણ અન્ય પ્રકારની વ્યવસ્થા પોતાને ત્યાં ઉભી થવા દીધી નથી. વળી ભારત અને હિંદુ વિરોધ આગળ છતાં આતંકવાદી વિચારધારામાં પણ બદલાયો અને તે બિનમુસ્લિમ દેશો અને લોકોને રંજાડવા સુધી પહોંચ્યો, પણ તેની શરૂઆત અફઘાનિસ્તાન જેવા મુસ્લિમ દેશથી પાકિસ્તાનના જેહાદી આતંકીઓએ કરી હતી. અલકાયદા-તાલિબાનથી વૈશ્વિક સ્તરે પડકાર બનેલો જેહાદી આતંકવાદ સીરિયા અને ઈરાકમાં અલકાયદામાંથી છૂટા પડેલા આઈએસઆઈએસ દ્વારા દુનિયાની સામે આવ્યો છે. પાકિસ્તાનની ખૂરાફાતી જાસૂસી સંસ્થા આઈએસઆઈના હેન્ડલર્સ અને મોડ્યુલ પણ અફઘાનિસ્તાન, સીરિયા અને ઈરાકમાં ઓપરેટ કરી રહેલા અલકાયદા-આઈએસઆઈએસ અને તાલિબાનના આતંકી તંત્ર સાથે મળેલા છે.
પાકિસ્તાનનું સત્તાતંત્ર પણ જેહાદી આતંકી માનસિકતા ધરાવે છે અને જેહાદી આતંકી તંત્રને સંરક્ષિત કરવા માગે છે.
પાકિસ્તાન ભારત સાથે 1947-48, 1965, 1971માં પૂર્ણ કક્ષાના યુદ્ધો અને 1999માં મર્યાદીત સ્તરનું કારગીલ યુદ્ધ કરી ચુક્યું છે. ભારતની સામે પરમાણુ ધમકી આપતા પાકિસ્તાનના મિસાઈલ કાર્યક્રમ પર નજર કરીએ તો પાડોશી દેશની મિસાઈલોના નામ પર તેની ભારત અને હિંદુ વિરોધી જેહાદી આતંકી માનસિકતા છતી થતી જોવા મળે છે. એક રીતે પાકિસ્તાનના જેહાદી આતંકી તંત્રે 97 ટકા મુસ્લિમો ધરાવતા દેશને વૈશ્વિક આતંકની પ્રયોગશાળા બનાવી દીધો છે અને હવે તે આતંકીઓએ ઉભી કરેલી વિચારધારાની જેલમાં ફેરવાઈ ચુક્યો છે.
ભારતનો ભાગ રહેલા પાકિસ્તાનમાંથી ભારતીય માન્યતાઓને ભૂંસીને તુર્કો-મુઘલ ઈતિહાસને આધાર બનાવીને હવે ફારસીના સ્થાને અરેબિક કલ્ચર અને ભાષા તરફ લોકોને પાક્કા મુસ્લિમ બનાવવાના નામે દોરવામાં આવી રહ્યા છે. એટલે કે આપણી બાજુમાં રહેલું પાકિસ્તાન 1947માં ભારતની જેટલી નજીક હતું, તેની સરખામણીએ 2019માં પાકિસ્તાન ભારતનું પાડોશી હોવા છતાં સેંકડો માઈલ દૂર ચાલ્યું ગયું છે.
ભારતમાં મુસ્લિમોના આક્રમણોથી આગમન પહેલા સમગ્ર દેશ હિંદુ સંસ્કૃતિ, ધર્મ અને સમાજના પ્રભુત્વ નીચે એક સભ્યતા તરીકે દુનિયામાં સ્થાન પામેલો હતો. પરંતુ હિંદુકુશના પર્વર્તીય શ્રૃંખલાઓમાંથી થયેલા એક પછી એક જેહાદી માનસિકતા સાથેના આક્રમણખોરોથી ભારતનો ઈતિહાસ ભરેલો પડેલો છે. ભારત માટે આવા આક્રમણખોરો 1947માં બનેલા પાકિસ્તાનના રોલ મોડલ છે. પરંતુ ભારતમાં આવા આક્રમણખોરો ઈતિહાસમાં વિલનનું સ્થાન ધરાવે છે.
પાકિસ્તાનની સેના અને સરકારે વિકસિત કરેલી મિસાઈલોના નામ આવા ભારતને આક્રમણોથી રંજાડનારા અને હિંદુઓની હત્યા કરનારા જેહાદી આતંકી માનસિકતા ધરાવતા આક્રમણખોરોના નામ પર રાખ્યા છે.
ગઝનવી મિસાઈલ-
તાજેતરમાં પરીક્ષણ કરાયું તે ગઝનવી મિસાઈલની વાત કરીએ, તો તે એક સરફેસ-ટુ-સરફેસ શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ છે અને તેનું નામ ભારત પર 17 વખત આક્રમણો કરનારા ગઝની પ્રાંતના તત્કાલિન શાસક મહમૂદ ગઝનવીના નામ પર રાખવામાં આવ્યું છે. ગુજરાતના પવિત્ર સોમનાથ મંદિરને તોડનારા મહમૂદ ગઝનવીએ 1000થી 1025 સુધીના સમયગાળામાં ભારત પર આક્રમણો કર્યા અને તેમા હજારો હિંદુઓની હત્યા અને ગુલામ બનાવીને લઈ જવાનું કામ કર્યું, કરોડો રૂપિયાની મિલ્કતોને પણ લૂંટી, સેંકડો મંદિરો તોડીને હિંદુઓની આસ્થાઓ પર ચોટ પહોંચાડવાનું કામ કર્યું હતું.
ઘૌરી મિસાઈલ-
પાકિસ્તાનની સરફેસ ટુ સરફેસ બેલેસ્ટિક મિસાઈલની શ્રેણીમાં ઘૌરી મિસાઈલ પણ સામેલ છે. આ મિસાઈલનું નામકરણ મોહમ્મદ ઘોરીના નામ પર કરવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતના 12મી સદીના શાસક મોહમ્મદ ઘોરીએ 1192માં પૃથ્વીરાજ ચૌહાનને હરાવીને ભારતમાં મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી. તેના ગુલામ કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં ગુલામ વંશની શરૂઆત કરી હતી.
બાબર મિસાઈલ-
પાકિસ્તાનની મિડિયમ રેન્જ સબસોનિક ક્રૂઝ મિસાઈલનું નામ બાબર છે. આ નામકરણ ભારતમાં મુઘલ વંશની સ્થાપના કરનારા અને અયોધ્યામાં રામજન્મભૂમિ પરના મંદિરને ધ્વસ્ત કરીને બાબરી ઢાંચો ઉભો કરનારા ઝહિરુદ્દીન મોહમ્મદ બાબરના નામ પર થયું છે. મધ્ય એશિયાની ફરઘાના વેલીના ચગતઈ તુર્ક બાબરે 1526માં દિલ્હીના અફઘાન લોદી વંશના શાસકને હરાવીને મુઘલ વંશની સ્થાપના કરી હતી.
અબ્દાલી મિસાઈલ-
શોર્ટ રેન્જ સુપરસોનિક બેલેસ્ટિક મિસાઈલનું નામ પણ અહમદશાહ અબ્દાલીના નામ પર પાડવામાં આવ્યું છે. 18મી સદીના અફઘાની બાદશાહ અને હાલના અફઘાનિસ્તાનના સ્થાપક અહમદશાહ અબ્દાલીએ 1761માં પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સામ્રાજ્યની સેનાઓની સામે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં મરાઠા સેનાઓની હાર થઈ હતી અને એક લાખથી વધારે સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. અબ્દાલીએ અમૃતસરમાં શીખોના પવિત્ર સુવર્ણ મંદિરને પણ નુકસાન પહોંચાડયું હતું. 1748થી 1765ના સમયગાળામાં અબ્દાલીએ ભારત પર સાત આક્રમણો કર્યા હતા. અબ્દાલીએ ભારતની તત્કાલિન મુઘલવંશી સલ્તનતને ખૂબ અપમાનિત કરી હતી.
તૈમુર મિસાઈલ-
પાકિસ્તાનની તૈમુર મિસાઈલ ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલન નામ છે. આ મિસાઈલ પાકિસ્તાન વિકસિત કરી રહ્યું છે. પરંતુ તેનું નામ પર્સિયા, સેન્ટ્રલ એસિયા અને ઈજીપ્ત સુધી ફેલાયેલા 14મી સદીના તુર્કી સુલ્તાન તૈમુર લંગના નામ પર રાખવામાં આવ્યું છે. તૈમુર લંગે દિલ્હી પર 1398માં આક્રમણ કરીને હજારો હિંદુઓની કત્લેઆમ કરી હતી.
ભારતમાંથી છૂટા પડેલા પાકિસ્તાનના રોલ મોડલ તરીકે એવા આક્રમણખોરો છે કે જેમણે હાલના પાકિસ્તાનના વિસ્તારોમાં રંજાડ, કત્લેઆમ કરી હતી અને તેમના બળજબરીથી ધર્માંતરણ કર્યા હતા. ધર્માંતરીત મુસ્લિમોને પણ પાકિસ્તાનના હાલના વિસ્તારોમાં ત્યારે આવા આક્રમણખોરોએ રંજાડયા હતા. પરંતુ હાલના પાકિસ્તાનની નકલી રાષ્ટ્રવાદી વિચારધારામાં આક્રમણખોરો ઈતિહાસપુરુષનું સ્થાન ધરાવે છે. આ મધ્યયુગીન આક્રમણખોરોમાં એક જ સમાનતા હતી કે તેઓ ભારત પર આક્રમણ કરતા હતા અને ભારતના લોકોને રંજાડતા હતા. હવે છેલ્લા 72 વર્ષથી આવા જેહાદી આતંકવાદી આક્રમણખોરોનો વારસો પાકિસ્તાને એક દેશ તરીકે પોતાના જ લોકો સામે શરૂ કર્યો છે. પોતાના લોકો એટલા માટે કારણ કે પાકિસ્તાના 90 ટકાથી વધારે લોકો ભૂતકાળમાં હિંદુ અને બૌદ્ધ હતા અને આમાના ઘણાં આજે પણ તેને સ્વીકારી રહ્યા છે.
જ્યાં સુધી પાકિસ્તાનના રોલ મોડલ અને તેમના મિસાઈલોના નામ ધરાવતા મધ્યયુગીન આક્રમણખોરો પોતે અંદરોઅંદર ખુબ બાખડયા છે. ઘોરી વંશે 1186માં ગઝનવીઓને ઉથલાવીને પોતાનું રાજ સ્થાપિત કર્યું હતું. બાબરે 1526માં ઈસ્લામિક લોદી વંશને હટાવીને દિલ્હીની ગાદી કબજે કરી હતી. તેની સાથે જ અફઘાની શાસક મોહમ્મદ ઘોરીએ 1192માં સ્થાપિત કરેલી અફઘાન વંશી મુસ્લિમોની સલ્તનતને બાબરે દિલ્હીની ગાદી પરથી ઉખાડી ફેંકી હતી. અહમદશાહ અબ્દાલીની વાત કરીએ, તો અબ્દાલીએ પણ મુઘલ વંશના તત્કાલિન શાસકોને નીચું દેખાડવા અને અપમાનિત કરવામાં કોઈ કોરકસર છોડી ન હતી. પાકિસ્તાનના બીજા સૌથી મોટો શહેર લાહોરને લૂંટવા અને તેને રંજાડવામાં અબ્દાલીએ કંઈ બાકી રાખ્યું ન હતું. આ આક્રમણખોરોમાંથી માત્ર મુઘલને બાદ કરતા કોઈપણે ભારતને પોતાનું ગણ્યું ન હતું. તેમણે ભારતને રંજાડવું અને લૂંટવું તથા રાજ ચલાવવાની દ્રષ્ટિથી જ જોયું હતું. મુઘલો ભારતમાં રહ્યા અને તેમણે ત્રણ સદી સુધી રાજ ચલાવ્યું. મુઘલયુગમાં ભારતમાં હિંદુ-મુસ્લિમો નજીક પણ આવ્યા. પરંતુ પહેલા મુઘલ શાસક બાબરની કબર ભારતમાં નથી, પણ અફઘાનિસ્તાનમાં છે. તો બહાદૂરશાહ ઝફરે ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં 1857માં નેતૃત્વની કમાન સંભાળી હતી. બહાદૂરશાહ ઝફરનું રંગૂન ખાતે અંગ્રેજોની કેદમાં નિધન થયું હતું. પરંતુ પાકિસ્તાનના રોલ મોડલમાં સૂફી વારસો, દારા શિકોહ કે બહાદૂરશાહ ઝફર જેવા શાસકોનું કોઈ સ્થાન નથી.
બીજી તરફ ભારતે 1974માં પોતાનો પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું અને તેનું નામ ઓપરેશન સ્માલિંગ બુદ્ધા રાખ્યું હતું. ભગવાન બુદ્ધ અહિંસા અને શાંતિના ઉપદેશ માટે યાદ કરવામાં આવે છે. ભારતના પરમાણુ કાર્યક્રમનો ઉદેશ્ય તેના કોડ નેમમાં સ્પષ્ટ છે. આ પરીક્ષણ ભગવાન બુદ્ધની જયંતી પ્રસંગે કરવામાં આવ્યો હતો. ભારતનો મિસાઈલ પ્રોગ્રામ પણ સંસ્કૃત નામો પર બનાવવામાં આવ્યો છે. જેમાં અગ્નિ, પૃથ્વી, આકાશ અને ત્રિશુલ જેવા નામનો સમાવેશ થાય છે. પૃથ્વી, અગ્નિ અને વાયુ એ ભારતીય તથા હિંદુ વિચારધારામાં પંચતત્વોમાંના ત્રણ તત્વો સાથે સંબંધિત છે. તો ત્રિશૂલ ભગવાન શિવનું શસ્ત્ર છે અને ભગવાન શિવ નકારાત્મકતાના સંહારક છે.
ભારતમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિમાં મજહબથી વધારે સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં તેઓ પોતાના ભવ્ય ભૂતકાળને ભૂંસીને માત્ર મજહબી ઉન્માદ હેઠળ પોતાના સૈન્ય તંત્રને ચલાવી રહ્યા છે. પાકિસ્તાનના મિસાઈલ પ્રોગ્રામમાં આપવામાં આવેલા મિસાઈલોના નામમાં પાકિસ્તાનની આવી માનસિકતા છતી થઈ રહી છે. પાકિસ્તાનની મિલિટ્રી એકેડમીમાં ધ કુરાનિક કોન્સેપ્ટ ઓફ વૉરને તેના સિલેબસનો ભાગ બનાવવામાં આવેલો છે. પાકિસ્તાની સેનાનો માઈન્ડસેટ સંપૂર્ણપણે કોમવાદી છે કે જેને (કોમવાદ) સૌથી મોટી ગાળ તરીકે ભારતમાં હિંદુઓ માટે વાપરવામાં આવે છે. પાકિસ્તાનની મિસાઈલોની શ્રેણી હત્ફ છે, તેના મિસાઈલના અન્ય નામ શાહીન, રાદ, નસ્ર અને અબાબીલ છે. આ તમામ શબ્દો ઈસ્લામિક વિચારધારા સાથે સંકળાયેલી પરિભાષામાં ઘણું મજહબી મહત્વ ધરાવે છે. આ પાકિસ્તાન, તેની સેના અને સત્તાતંત્રની માનસિકતા છે.