મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદમાં મુંબઈ અને કોલ્હાપુરની વચ્ચે ચાલતી મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાનગાની રુટ પર પાણીમાં ફસાઈ ગયા હતા. વરસાદથી ટ્રેનમાં સવાર લગભગ 700 પ્રવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, ભારતીય નૌસેનાની વેસ્ટર્ન કમાન્ડ અને ભારતીય વાયુસેનાની મદદથી ટ્રેનમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.
ભારે વરસાદથી ઉલ્હાસ નદીમાં પાણી વધવાને કારણે બદલાપુરની પાસે રેલવે ટ્રેક સંપૂર્ણપણે ડૂબી ગયો. થાણેના ડેપ્યુટી કલેક્ટર શિવાજી પાટિલે કહ્યુ છે કે આ ટ્રેક પરથી મહાલક્ષ્મી એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. પાણીનું સ્તર ઝડપથી વધતુ જોઈને ટ્રેનને આગમચેતીના પગલા હેઠળ રોકવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે પ્રવસીઓ સુરક્ષિત હતા. પરંતુ ડર માત્ર રેલવે ટ્રેક પર વધતા પાણીને લઈને હતો.
તેમણે કહ્યુ કે ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર સહીત એનડીઆરએફની ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી હતી. બાદમાં સ્થિતિને વણસતી જોતા વાયુસેના અને નૌસેનાની મદદ પણ લેવામાં આવી હતી. નેવીની હેલિકોપ્ટર સર્વિસ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવામાં ઘણી કામમાં આવી હતી. નેવીની કુલ આઠ ટુકડીઓ પૂરગ્રસ્ત વિસ્તારોમાં તેનાત છે.
દિવસ ઉગતાની સાથે રેસ્ક્યૂ ઓપરેશન પર ખરાબ હવામાનની અસર પડી હતી. બચાવ કાર્યમાંથી હેલિકોપ્ટરોને હટાવવા પડયા હતા. એનડીઆરએફના જવાનો બોટના સહારે લોકોને ટ્રેનમાંથી કાઢીને સુરક્ષિત વિસ્તારોમાં લઈ ગયા હતા. આ કાર્યવાહીમાં 9 ગર્ભવતી મહિલાઓને પણ સુરક્ષિત બચાવી લેવામાં આવી હતી.
સેન્ટ્રલ રેલવેના પીઆરઓએ કહ્યુ છેકે શરૂઆતમાં ટ્રેનમાં સવાર પ્રવાસીઓ આપમેળે સુરક્ષિત સ્થાનો પર જવાનું વિચારી રહ્યા હતા. પરંતુ રેલવે તરફથી અપીલ કરવામાં આવી કે તેઓ ટ્રેનની અંદર રહે. અમે તમારી મદદ માટે તત્પર છીએ. સવારે સ્થાનિક પોલીસ, આરપીએફ અને ટ્રેનમાં રહેલા સ્ટાફે લોકોની મદદ કરી હતી.