અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ગરકાવ થઈ ગયા છે. દરમિયાન હાલ રાજ્યમાં લગભગ 300થી વધારે રસ્તા વાહન વ્યવહાર માટે બંધ છે. જેના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં સાર્વત્રિવક વરસાદના કારણે માર્ગો ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યાં છે એક નેશનલ હાઈવે , સ્ટેટ હાઈવે સહિત રાજ્યના 16, પંચાયત હસ્તકના 282 મળીના રાજ્યમાં અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. મહેસાણામાં નેશનલ હાઈવે બંધ કરાયો છે. આવી જ રીતે મહેસાણામાં 2, બનાસકાંઠામાં એક, કચ્છમાં એક, મહિસાગરમાં એક, સુરતમાં એક, રાજકોટમાં એક, મોરબીમાં એક, સુરેન્દ્રનગરમાં એક, જામનગરમાં 4, પોરબંદરમાં 2 અને ગીરસોમનાથમાં 1 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં પાંચ, અરવલ્લીમાં 29, સાબરકાંઠામાં 16, બનાસકાંઠામાં 10, નર્મદામાં 13, ભરૂચમાં 10, સુરતમાં 42, તાપીમાં 21, નવસારીમાં 39, વલસાડમાં 19 અને મોરબીમાં 17 મળીને રાજ્યમાં પંચાયત હસ્તકના 282 જેટલા રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં 300થી વધારે રસ્તાઓ બંધ થતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર પડી છે.
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. તેમજ મહેસાણાના કડી અને જામનગરના જોડીયામાં 24 કલાકમાં ધોધમાર 13 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાજ્યમાં હજુ 48 કલાક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.