અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ભારત મક્કમતાથી ‘આત્મનિર્ભર ભારત’ તરફ આગળ વધી રહ્યું છે. વેપારીઓ અને દેશની જનતા ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહી છે. ત્યારે દેશમાં પ્લાસ્ટિક અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પુરી પાડવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે. મચ્છર મારવાના ચાઈનીઝ ઈલેકટ્રીક રેકટથી સારી ગુણવતાવાળા રેકેટ બનાવવાનું બીડુ મોરબીના ઉદ્યોગકારોએ ઉપાડ્યું છે. તેમજ ભારતીય વસ્તુઓથી બનેલા આ રેકેટ આગામી પાંચ મહિનામાં માર્કેટમાં લોન્ચ કરવાની નેમ પણ વ્યક્ત કરી છે. આ ઈલેક્ટ્રીક રેકેટ ફક્ત ભારત જ નહીં શ્રીલંકા અને મધ્ય-પૂર્વના દેશોમાં પણ પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતમાં અત્યાર સુધી મચ્છર મારવાના ઈલેકટ્રીક રેકેટનું ઉત્પાદન થતું ન હતું. જેથી ચાઈનાથી મોટી સંખ્યામાં તેની આયાત કરવામાં આવતી હતી. દર વર્ષે લગભગ દોઢ કરોડ નંગની આયાત કરવામાં આવતી હતી. તેમજ મોટી સંખ્યામાં બે નંબરથી તથા ઓનલાઈન ઈલેકટ્રીક રેકેટનું વેચાણ થતું હોવાથી સરકારને ટેક્સની આવકમાં પણ કરોડોનું નુકસાન થયું હતું. ત્યારે હવે ચીનને ટક્કર આપવા માટે મોરબીની 150 જેટલી કંપનીઓએ કમર કસી છે. તેમજ હવે મોરબીમાં જ મચ્છર મારવાના ઈલેકટ્રીક રેકેટનું ઉત્પાદન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
મોરબીની કંપનીઓએ આગામી પાંચ મહિનામાં જ ભારતીય બજારમાં આ ઉત્પાદનને લોન્ચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં એક વર્ષના ટુંકાગાળામાં 50 લાખ રેકેટ પ્રતિદિન બનાવવાનું આયોજન કર્યું છે. કંપનીઓ દ્વારા આ પ્રોડક્ટ ઉપર વપરાશકારોને એક વર્ષની ગેરંટી પણ આપવામાં આવશે. એક અનુમાન અનુસાર રેકેટનું ટર્નઓવર અંદાજે ૩૦૦ કરોડ રૂપિયાનું હશે અને તેનાથી અંદાજે 12 હજાર શ્રમિકોને પ્રત્યક્ષ રીતે રોજગાર મળશે.