નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરના દિવસોમાં સતત સમાચારમાં રહ્યા છે. કારણ છે તેમના કોંગ્રેસને છોડવાની વહેતી થયેલી અટકળો. જી હા, હાલના દિવસોમાં સોશયલ મીડિયા પર જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાને લઈને મોટી અટકળબાજી ચાલી રહી છે. કહેવામાં આવે છે કે હવે મહારાજાનું મન કોંગ્રેસમાં લાગી રહ્યું થી. કોઈ કહી રહ્યુ છે કે શ્રીમંત સિંધિયા તેમના ફોઈ વસુંધરાના માધ્યમથી ભાજપમાં આવવાનો માર્ગ બનાવી રહ્યા છે. તો કોઈ કહી રહ્યું છે કે ભાજપ રાજમાતા વિજયારાજે સિંધિયાનું કર્જ કંઈક આમ કરીને ઉતારવાની તૈયારીમાં છે.
આ તમામ અટકળો જ્યોતિરાદિત્ય સિંધિયાના એ ટ્વિટ બાદ શરૂ થઈ કે જે તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પહેલા કર્યું હતું. આ ટ્વિટમાં સિંધિયાએ કલમ-370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર અને લડાખને લઈને ઉઠાવવામાં આવેલા પગલા અને ભારત દેશમાં તેમના સંપૂર્ણપણે એકીકરણનું હું સમર્થન કરું છું. બંધારણીય પ્રક્રિયાનું પૂર્ણ સ્વરૂપે પાલન કરવામાં આવત તો સારું હોત સાથે જ કોઈ પ્રશ્ન પણ ઉભો થાત નહીં. પરંતુ આ નિર્ણય રાષ્ટ્રહિતમાં લેવામાં આવ્યો છે અને હું તેનું સમર્થન કરું છું.
આ ટ્વિટ બાદથી સિંધિયાની રાજકીય કારકિર્દીને લઈને અટકળોનું બજાર ગરમ થવા લાગ્યું છે. તમામ અટકળો વચ્ચે ઘણાં પ્રકારની ફોર્મ્યુલા પણ જણાવવામાં આવી રહી છે કે સિંધિયા કેટલા ધારાસભ્યો સાથે જશે. સિંધિયાના જવાથી મધ્યપ્રદેશની કોંગ્રેસની સરકાર રહેશે કે પડી જશે. કેવી રીતે સિંધિયા ભાજપ તરફથી મુખ્યપ્રધાનનો ચહેરો રહેશે.. વગેરે વગેરે.
જો કે મોટો સવાલ એ છે કે વાત વાત પર ટ્વિટ કરીને પોતાની વાત રજૂ કરતા શ્રીમંતે ભાજપમાં જવાની અટકળો પર મૌન કેમ સાધ્યું છે. ક્યાંક મહારાજની ચુપકીદી આવી કહાનીઓને તો જણાવી રહી નથી ને?