નવી દિલ્હી: મોદી સરકારે પોતાની બીજી ટર્મના પહેલા વર્ષમાં જ સરકારી કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટથી 1.05 લાખ કરોડ એકઠા કરવાનું મહત્વકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. તેમાં કેટલીક કંપનીઓ બીમાર છે, તો કેટલીક નફો પણ કરી રહી છે. પરંતુ હવે સરકારની આ ડિસઈન્વેસ્ટમેન્ટ નીતિનો વિરોધ શરૂ થઈ ચુક્યો છે. ડાબેરી ટ્રેડ યૂનિયન તો આનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આરએસએસના આનુષંગિક સંગઠન ભારતીય મજદૂર સંઘે પણ આની સામે વિરોધનો સૂર બુલંદ કર્યો છે.
ભારતીય મજદૂર સંઘે કહ્યું છે કે ડિસઈન્વેસ્ટમેન્ટના મામલા પર તે કોઈપણ પ્રકારની સમજૂતી કરશે નહીં. કેટલાક ટ્રેડ યૂનિયને તો આના વિરોધમાં મોટા આંદોલનની તૈયારી પણ શરૂ કરી દીધી છે. મહત્વપૂર્ણ છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટીય ભાષણમાં કહ્યું હતું કે સરકાર જાહેર ક્ષેત્રની કંપનીઓનું રણનીતિક ડિસઈન્વેસ્ટમેન્ટ કરશે. આનો અર્થ એ છે કે સરકારી કંપનીઓનો હિસ્સો સંપૂર્ણપણે ખાનગી હાથોમાં આપી દેવામાં આવશે.
હાલ સરકારની કોશિશ એ હોય છે કે સરકારી કંપનીઓનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરીને તેમા એલઆઈસી અથવા એસબીઆઈ જેવા પીએસયૂ દ્વારા શેયર ખરીદી લેવામાં આવે. અહીં ખાનગીકરણ અને ડિસઈન્વેસ્ટમેન્ટના અંતરને સમજવું જરૂરી છે. ખાનગીકરણમાં સરકાર પોતાના 51 ટકાથી વધારેની હિસ્સેદારી ખાનગી ક્ષેત્રને વેચી દે છે, જ્યારે ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયામાં તે પોતાનો કેટલોક હિસ્સો કાઢે છે. પરંતુ તેની મિલ્કત યથાવત રહે છે.
નીતિ પંચે ડિસઈન્વેસ્ટમેન્ટ માટે 40 કેન્દ્રીય પીએસયૂની યાદી તૈયારી કરી છે. તેમાં નફાવાળી ઘણી સરકારી કંપની પણ છે. નીતિ પંચની ડિસઈન્વેસ્ટમેન્ટ યાદીમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ભારત અર્થ મૂવર્સ લિમિટેડ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, એર ઈન્ડિયા અને મહાનગર ટેલિફોન લિમિટેડનો સમાવેશ થાય છે.
ડાબેરી પાર્ટીઓએ આના વિરોધમાં વ્યાપક હડતાળની ધમકી આપી છે. સીટૂના મહાસચિવ તાપસ સેને કહ્યુ છે કે સરકાર જાણીજોઈને આ કરી રહી છે. તેણે પહેલા તો પીએસયૂને આર્થિક મુશ્કેલીમાં નાખ્યા અને હવે તેને વેચવાનો માહોલ બનાવી રહી છે. આ રાષ્ટ્રીય હિતો સાથે રમત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘે રાજધાની નવી દિલ્હીમાં 15 નવેમ્બરે સીપીએસઈ વર્કર્સ યુનિયનોનું એક રાષ્ટ્રીય સંમેલન બોલાવ્યું છે. બીએમએસના અધ્યક્ષ સાજી નારાયણે કહ્યુ છે કે અમે માત્ર વિરોધ માટે વિરોધ કરવા માંગતા નથી. અમે સરકાર સાથે વાતચીત કરવા માંગીએ છીએ. અમે તેમને સમય આપવા માંગીએ છીએ, કારણ કે હાલમાં સરકારનો બીજો કાર્યકાળ શરૂ જ થયો છે. પરંતુ ડિસઈન્વેસ્ટમેન્ટના મામલા પર કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં.
ટ્રેડ યૂનિયનોનું કહેવુ છે કે ટેક્સ વસૂલી લક્ષ્યથી ઓછી હોવાને કારણે સરકાર ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને તેજ કરવા ચાહે છે. દેશમાં બેરોજગારીનો દર ઘણો ઊંચો છે. તેવામાં ડિસઈન્વેસ્ટમેન્ટને કારણે નોકરીઓની સ્થિતિ વધુ ખરાબ થશે.
મોદી સરકારના પ્રધાન અરવિંદ ગણપત સાવંતે તાજેતરમાં સંસદમાં કહ્યુ હતુ કે 28 કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટને મંજૂરી અપાઈ ચુકી છે. તેમા કુલ 19 કંપનીઓ એવી છે કે જેમને બંધ કરવાની સરકારે મંજૂરી આપી છે. આ તમામ કંપનીઓ નુકસાનમાં ચાલી રહી છે.
સરકારના આ પગલાનો ડઝનબંધ કેન્દ્રીય સાર્વજનિક ઉદ્યમોના કર્મચારીઓ દ્વારા વ્યાપક વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. ટ્રેડ યૂનિયનોએ મોદી સરકારના આ નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીના ડીઝલ લોકોમોટિવ વર્ક્સના કારીગરોએ સરકારને ચેતવણી આપી છે કે તેઓ પંદર દિવસની અંદર રેલવે કોચ ફેક્ટરીના ખાનગીકરણ પર પુનર્વિચારણા કરે.
ડીએલડબલ્યૂ વર્કર્સ યૂનિયનના નેતા વિષ્ણુદેવ દુબેએ કહ્યુ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન અમારા જ ગ્રાઉન્ડમાં મોદીજીએ વાયદો કર્યો હતો કે તે રલવેનું ખાનગીકરણ કરવા દેશે નહીં અને હવે તે તેનાથી ઉલટું કરી રહ્યા છે. અમે અમારા વિરોધ પ્રદર્શનને પંદર દિવસ માટે રોકી રાખ્યું છે. જો અમારી ચિંતાઓનું સમાધાન નહીં કરવામાં આવે, તો અમે સંયુક્તપણે વિરોધ શરૂ કરીશું.
પંજાબ કપૂરથલામાં રેલવે કોચ ફેકટરીના કરીગરો તો 1974 જેવા મોટા આંદોલન કરતા ટ્રેનોના સંચાલન રોકવાની ધમકી આપી રહ્યા છે. ફેકટરીના યૂનિયનના નેતા સર્વજીત સિંહે કહ્યુ છે કે અમારા કારખાના નફામાં છે. મોદી સરકાર તમામ પ્રોડક્શન યૂનિટને એક કંપનીમાં બદલીને તેને ખાનગી હાથોમાં વેચવાની તૈયારી કરી રહી છે. અમે આને થવા દઈશું નહીં અને જરૂરત પડશે તો અમે 1974ની જેમ જ ટ્રેનોનું સંચાલન રોકી દઈશું.
પશ્ચિમ બંગાળના ચિતરંજન અને તમિલનાડુમાં સાલેનના સેલ સ્ટીલ પ્લાંટમાં જ આવા પ્રકારનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે 1974માં લઘુત્તમ બોનસ આપવાની માગણીને લઈને ભારતીય રેલવેના કર્મચારીઓ દ્વારા 20 દિવસની સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ હડતાળમાં 17 લાખ કર્મચારીઓએ ભાગ લીધો હતો અને આ અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઈક છે. તેનું નેતૃત્વ જોર્જ ફર્નાન્ડિઝે કર્યું હતું. તેઓ તે સમયે ઈન્ડિયા રેલવે મેન્સ ફેડરેશનના અધ્યક્ષ હતા. 20 દિવસ ચાલેલી રેલવેની હડતાળથી આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો.