અમદાવાદઃ ગુજરાતમાં વાહન ચાલકોને સરકારે મોટી રાહત આવી છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ફેરફાર કરાયો છે. જેથી હવે લર્નિંગ લાઈસન્સ માત્ર રૂ. 150 ભરીને રિન્યુ કરાવી શકાશે. પહેલા લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થઈ જાય તો વાહન ચાલકને નવેસરથી પ્રક્રિયા કરવી પડતી હતી. તેમજ ટુ-વ્હીલના લાયસન્સ માટે રૂ. 950 જેટલી ફી ભરવી પડતી હતી. જો કે, હવે સરકારના નિર્ણયથી વાહન ચાલકોને આર્થિક રાહત મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં લર્નિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો નવેસરથી પ્રક્રિયા કરવી પડતી હતી. તેમજ કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ પણ આપવી પડતી હતી. તેમજ રૂ. એક હજાર સુધીની રકમ આપવી પડતી હતી. જો કે, હવે દરેક વાહનચાલકનું લર્નિંગ લાઇસન્સ એક્સપાયર થાય તો માત્ર રૂપિયા 150 ભરીને રિન્યૂ કરાવી શકશે. લર્નિંગ લાયસન્સ એક્સપાયર થઈ જાય તો હવે વાહન ચાલકે જૂના લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યુમેન્ટ વેરિફાઈ કરાવીને ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકાશે, જેના પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સના કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે.