કુદરતી અને રાજકીય તોફાનોને સહન કરવામાં માહેર નવીન પટનાયકે સતત પાંચમી વખત ઓડિશાના મુખ્યમંત્રી પદના શપથ લીધા અને ઉડિયા સરખી રીતે ન બોલી શકનારા આ મૃદુભાષી નેતાએ મોદી લહેરમાં પણ પોતાનો જનાદેશ બચાવીને ઓડિશાના ઇતિહાસનો નવો અધ્યાય લખી નાખ્યો.
ફાની વાવાઝોડાના કહેરથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા ઓડિશા માટે વિશેષ રાજ્યના દરજ્જાની માંગ કરનારા નવીન પટનાયક પ્રામાણિક અને સારા નેતાની તેમની ઇમેજના દમ પર ભાજપની કાંટાની ટક્કરનો મુકાબલો કરવામાં સફળ રહ્યા. તેમના માર્ગદર્શનમાં બીજૂ જનતા દળે એકવાર ફરી શાનદાર જીત નોંધાવી અને રાજ્ય વિધાનસભાની 147 સીટ્સમાંથી 112 પર પોતાનો પરચમ લહેરાવ્યો.
ઉડિયા પણ બરાબર રીતે ન બોલી શકતા પટનાયકે 1997માં પોતાના પિતા અને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકના અવસાન પછી પાર્ટીની કમાન સંભાળી. નવીન પટનાયકની ઓળખ શરૂઆતમાં તેમના પુત્ર તરીકે જ રહી પરંતુ આજે તેઓ એક સ્વતંત્ર, દમદાર તેમજ લોકપ્રિય નેતા તરીકે જાણીતા છે.
પોતાના પિતાની લોકસભા સીટ અસ્કાથી 1997માં ચૂંટણી લડીને રાજકારણમાં ડગ માંડનારા નવીન પટનાયકે રાજ્યના લોકોના હૃદયમાં ધીમે-ધીમે ખાસ જગ્યા બનાવી. 1998માં જનતાદળ તૂટી ગયું અને પટનાયકે બીજેડી (બીજૂ જનતા દળ)ની રચના કરી. તેમણે ભાજપ સાથે ગઠબંધન કર્યું અને 1998માં અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી રહ્યા.
પટનાયર 1998 અને 1999માં અસ્કાથી ફરી ચૂંટાયા. ભાજપ-બીજેડી ગઠબંધને 2000માં રાજ્ય વિધાનસભા ચૂંટણી જીતી ત્યારે નવીન પટનાયક જ મુખ્યમંત્રી બન્યા. 2004માં પણ તેઓ સત્તામાં આવ્યા.
વિહિપ નેતા સ્વામી લક્ષ્મણનંદા સરસ્વતીની હત્યા પછી થયેલા કંધમાલ રમખાણોથી બંને દળોમાં મતભેદ ઊભો થયો. પટનાયકે 2009 સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સાથે સંબંધ તોડી નાખ્યો. આ રાજકીય પરિપ્રેક્ષ્યમાં તેમનો માસ્ટરસ્ટ્રોક સાબિત થયો અને રાજ્યના રાજકારણમાં તેમનું કદ વધ્યું. બીજેડીએ લોકસભામાં 21માંથી 14 અને વિધાનસભામાં 147માંથી 103 સીટ્સ જીતી.
ત્યારબાદ પટનાયકે ઘણા રાજકીય તોફાનોનો સામનો કર્યો જેમાં 2012માં તેમની જ પાર્ટીના નેતાઓ દ્વારા કથિત તખ્તાપલટનો પ્રયત્ન પણ સામેલ છે, જ્યારે તેઓ વિદેશમાં હતા. આ તોફાનમાં તેઓ વધારે નિખરીને બહાર આવ્યા.
બીજેડીએ 2014માં મોદી લહેર છતાંપણ રેકોર્ડ જીત નોંધાવી. પટનાયકની પાર્ટીએ 147માંથી 117 સીટ્સ અને લોકસભામાં 21માંથી 20 સીટ્સ જીતી.
લેખક, કલાપ્રેમી અને ચતુર રાજનીતિજ્ઞ નવીન પટનાયક ઉપરથી ભલે
શાંત દેખાતા હોય પરંતુ વિરોધીઓ, પાર્ટીના બાગીઓની સાથે જ કુદરતી અને રાજકીય
તોફાનોને પહોંચી વળવાનું તેમને બખૂબી આવડે છે અને આ તેમની સફળતાની ચાવી પણ રહ્યું
છે.
ઓડિશાના મુખ્યમંત્રી તરીકે પહેલીવાર 2000માં શપથ લેનારા પટનાયકનો સામનો ચિટફંડ
કૌભાંડથી લઇને ખાણ કૌભાંડ સહિત અનેક વિવાદો સાથે થયો પરંતુ પોતાના રાજ્યમાં તેઓ
નિર્વિવાદિત રીતે સૌથી લોકપ્રિય નેતા રહ્યા અને આજે સતત પાંચમી વખત રાજ્યની કમાન
તેમણે સંભાળી.
પટનાયકની નરમ મુસ્કાન પાછળ આધુનિક રાજનીતિનો એક કડક ધુરંધર માણસ છુપાયેલો છે. તેમણે વિજય મહાપાત્રા, પ્યારેમોહન મહાપાત્રા, નજીકના સહયોગી બૈજયંત પાંડા અને દામોદર રાઉત જેવા બાગીઓને પણ નથી બક્ષ્યા.
ઓડિશાના લોકોના દિલોમાં પટનાયકની ખાસ જગ્યા છે. એક રૂપિયે કિલો ચોખા અને પાંચ રૂપિયામાં ભોજનની તેમની યોજનાઓ અતિશય લોકપ્રિય રહી. તેમણે 2019ની વિધાનસભા ચૂંટણીથી પહેલા મહિલાઓ માટે 33 ટકા અનામતનું સમર્થન કર્યું અને તેને લાગુ પણ કરી.
ભાજપ અને કોંગ્રેસ બંનેથી અંતર રાખીને પટનાયકે સંકેત આપ્યો કે ઓડિશાના હિતોની રક્ષા કરનારા કોઇપણ ગઠબંધનનું સમર્થન કરવા માટે તેઓ તૈયાર છે. અનેક પુસ્તકો લખી ચૂકેલા પટનાયકે વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરીને ઓડિશાના ઇતિહાસનો એક નવો અધ્યાય લખી નાખ્યો છે, જેના મહાનાયક તેઓ પોતે છે.