Site icon Revoi.in

ત્રીજા મોરચાની કવાયત વચ્ચે જેડીયુનું બીજેડી અને વાયએસઆર-કોંગ્રેસને પીએમ મોદીને ટેકો આપવા આહ્રવાન

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે છ તબક્કાનું વોટિંગ થઈ ચુક્યું છે. 19મી મેએ આખરી તબક્કાનું વોટિંગ થવાનું છે અને 23મી મેએ ચૂંટણીના પરિણામો ઘોષિત થવાના છે. પરંતુ ચૂંટણી પરિણામ આવતા પહેલા જ સરકાર બનાવવાનેલઈને કેટલીક પાર્ટીઓએ કવાયત શરૂ કરી દીધી છે. ગત બે દિવસોથી તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ અને રાજ્યના મુખ્યપ્ધાન કે. ચંદ્રશેખરરાવ ઘણાં પક્ષોના નેતાઓની મુલાકાત કરી ચુક્યા છે. ત્યારે ભાજપના સાથીપક્ષ જનતાદળ યૂનાઈટેડે સરકાર રચવા માટે એનડીએમાં નવા પક્ષોને આમંત્રિત કરવાની પહેલ શરૂ કરી દીધી છે. જેડીયુના મહાસચિવ કે. સી. ત્યાગીએ બીજૂ જનતા દળ અને વાયએસઆર-કોંગ્રેસને સાથે આવવા માટે આમંત્રણ આપ્યું છે.

કે. સી. ત્યાગીએ બિહારમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં કેટલીક તકનીકી મુશ્કેલી છે. જો કે તેમણે કહ્યુ છે કે આ વખતે આ મુદ્દો મોદી સરકાર પર દબાણ બનાવવા માટે નથી, પંરતુ કામ કરવા માટે છે. આના સંદર્ભે જેડીયુના મહાસચિવ કે.સી. ત્યાગીએ નવીન પટનાયક અને જગનમોહન રેડ્ડીને પીએમ મોદીનું સમર્થન કરવામાં સાથે આવવા માટે આમંત્રિત કર્યા છે.

માનવામાં આવે છે કે જો એનડીએને પૂર્ણ બહુમતી નહીં મળે અને કેટલીક બેઠકોની જરૂર પડશે તો બેજેડી અને વાયએસઆર કોંગ્રેસ એનડીએનું સમર્થન કરે તેવી શક્યતા છે. તેવામાં જેડીયુ તરફથી આવા પ્રકારે અચાનક નિવેદન આપવાને કારણે રાજકીય હલચલ તેજ થઈ છે. જો કે બીજેડી અને વાયએસઆર કોંગ્રેસ તરફથી હજી સુધી આના સંદર્ભે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

મહત્વપૂર્ણ છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે. ચંદ્રશેખરરાવ પણ બિનકોંગ્રેસી-બિનભાજપી સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગયા છે. સોમવારે તેમણે ડીએમકે પ્રમુખ એમ. કે. સ્ટાલિન સાથે મુલાકાત કરી હતી. જો કે સ્ટાલિને મંગળવારે કહ્યુ હતુ કે હાલ કંઈ કહી શકાય નહીં, જ્યાં સુધી ચૂંટણીના પરિણામો ઘોષિત થઈ જાય નહીં. મહત્વપૂર્ણ છે કે ડીએમકેએ તમિલનાડુમાં કોંગ્રેસની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી છે.