લોકસભામાં શુક્રવારે લાંબી ચર્ચા બાદ જમ્મુ-કાશ્મીર અનામત શંશોધન બિલને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ-2004માં સંશોધન માટે શુક્રવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. બિલના ઉદેશ્યો સંદર્ભે વાત કરતા તેમમે કાશ્મીરના સીમાવર્તી વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમને રાજ્યની અનામત વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ.
આ બિલ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમાના 10 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોને શૈક્ષણિક સંસ્થાનો અને સરકારી નોકરીઓમાં ત્રણ ટકા અનામતને વધારવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ સીધી ભરતી, પ્રમોશન અને વિભિન્ન શ્રેણીઓમાં ઘણાં વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અનામત આપે છે, પરંતુ તેનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય સીમા નજીક વસતા વ્યક્તિઓ માટે ન હતો. પરંતુ આ બિલના કાયદો બની ગયા બાદ આ લોકો પણ અનામતની મર્યાદામાં આવી જશે.
આ વિસ્તારને પાકિસ્તાની સેનાના ફાયરિંગનો સામનો કરવો પડે છે, જેનાથી લોકોને મોટાભાગે સુરક્ષિત સ્થાનો પર જવા માટે બાધ્ય થવું પડે છે. સરકારે આ લોકોની સુરક્ષા માટે સીમાવર્તી વિસ્તારોમાં બંકરોનું નિર્માણ કરાવ્યું છે. પરતું અવારનવાર સીઝફાયરનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓમાં અહીં જાનમાલને ઘણું નુકસાન થાય છે. અમિત શાહે લોકસભામાં કહ્યુ છે કે સીમા પર તણાવને કારણે, આંતરરાષ્ટ્રીય સીમા નજીક રહેતા લોકોને સામાજિક-આર્થિક અને શૈક્ષણિક પછાતપણું સહન કરવું પડે છે.
તેમણે કહ્યુ છે કે આ વિસ્તારોના નિવાસીઓને વારંવાર તણાવને કારણે સુરક્ષિત સ્થાનો પર જવું પડે છે અને તેનાથી તેમનો અભ્યાસ પ્રભાવિત થાય છે, કારણ કે સીમાની પાસે શૈક્ષણિક સંસ્થા લાંબા સમય સુધી બંધ રહે છે. તેમણે કહ્યુ છે કે આના કારણે એ જરૂરી હતું કે આંતરરાષ્ટ્રીય સીમા નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને માટે વાસ્તવિક સીમા નિયંત્રણ રેખા નજીક વસતા લોકોની તર્જ પર અનામતનું વિસ્તરણ કરવામાં આવે.
કેન્દ્રીય પ્રધાનમંડળે ફેબ્રુઆરીમાં જમ્મુ-કાશ્મીર સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમા રાષ્ટ્રપતિ તરફથી જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન અધ્યાદેશ – 2019ને જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું. ગૃહમાં આ વિષય પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ અનામત આપવાનું સમર્થન કર્યું, પરંતુ તેની રીત પર સવાલ ઉઠાવતા કહ્યુ હતુ કે આ બિલ રાજ્ય વિધાનસભામાં લાવવું જોઈતું હતું.