જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીકના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાના જવાનોએ શુક્રવારે ફરી એકવાર ગોળીબાર કર્યો છે. આના પહેલા પાકિસ્તાને ગુરુવારે સાંજે પણ પુંછ જિલ્લામાં એલઓસીના બે વિસ્તારોમાં ફાયરિંગ કર્યું હતું. એલઓસી નજીકના ઘણાં વિસ્તારોમાં પાકિસ્તાન ગત આઠ દિવસોથી ટુકડે-ટુકડે ફાયરિંગ કરી રહ્યો છે, તેને કારણે અહીં તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે.
પાકિસ્તાને શુક્રવારે પણ નૌશેરા સેક્ટરમાં સેનાની બોર્ડર પોસ્ટની નજીક મોર્ટાર શેલિંગ કર્યું હતું. બાદમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનની હરકતનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આના સિવાય એલઓસીની નજીકના ઘણાં સંવેદનશીલ વિસ્તારોમાં ગોળીબારની આડમાં કોઈ આતંકી ઘૂસણખોરીની આશંકાને જોતા સેનાએ તમામ જવાનોને સંપૂર્ણપણે એલર્ટ રહેવાનો પણ નિર્દેશ કર્યો છે.
પાકિસ્તાને આ વખતે ફરથી નિયંત્રણ રેખા પર સેનાની ફોરવર્ડ પોસ્ટ સહીત તમામ રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે. જો કે સંઘર્ષવિરામના ઉલ્લંઘનની આ ઘટનામાં અત્યાર સુધીમાં કોઈના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ નથી. પહેલા પાકિસ્તાન તરફથી રાજૌરી અને પુંછ જિલ્લામાં થયેલા ગોળીબાર દરમિયાન નિયંત્રણ રેખા પર તેનાત બીએસએફનો એક જવાન શહીદ થયો હતો. આ સિવાય પાકિસ્તાનના ફાયરિંગમાં એક બાળકીનું પણ મોત થયું હતું.
પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પર ચાલી રહેલા ફાયરિંગ દરમિયાન પંજાબના ખેમકરણમાં હવાઈ માર્ગે ઘૂસણખોરીની કોશિશ પણ થઈ હતી. પાકિસ્તાની વાયુસેનાના ચાર એફ-16 યુદ્ધવિમાનો અને એક યુએવીને સોમવારે સવારે લગભગ ત્રણ વાગ્યે ખેમકરણ સેક્ટરથી લાગેલી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ટ્રેસ કર્યા હતા. રડાર પર પાકિસ્તાની યુદ્ધવિમાનોની એર એક્ટિવિટીની ખબર પડયાના તુરંત બાદ સુરક્ષા અધિકારીઓએ એરફોર્સને એલર્ટ કર્યા હતા. બાદમાં વાયુસેનાએ પાકિસ્તાની યુદ્ધવિમાનોથી ખતરો જોતા તાત્કાલિક પોતાના સુખોઈ અને મિરાજ યુદ્ધવિમાનોએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ભારતીય વાયુસેનાની આ સખત ઘેરાબંધીને કારણે પાકિસ્તાની જેટ્સને ભાગવા માટે મજબૂર થવું પડયું હતું.
પાકિસ્તાની સેનાના જવાનોએ ગત સપ્તાહથી જ પુંછ અને રાજૌરી જિલ્લાને લાગતી અંકુશ રેખાની નજીકના વિસ્તારમાં ભારે ગોળીબાર કર્યો છે. ત્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનની સાત બોર્ડર પોસ્ટને તબાહ કરીને આનો જવાબ આપ્યો હતો. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 10 સૈનિકો પણ ઠાર થયા હતા. જો કે ભારતની વિધ્વંસક જવાબી કાર્યવાહી છતાં પાકિસ્તાને ઘણાં અન્ય વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો.