જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને શનિવારે સવારે શસ્ત્રવિરામ ભંગ કર્યો છે. પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા ભારે ગોળીબાર અને મોર્ટાર શેલિંગનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. સામસામે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક જવાન પણ શહીદ થયો છે.
શનિવારે સવારે સાડા છ વાગ્યે પાકિસ્તાન તરફથી નૌશેરા સેક્ટરમાં રહેલી સેનાની ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે સતત પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માટે સીમા પર ફાયરિંગ કરી રહ્યા છે. આતંકવાદીઓને પાકિસ્તાની સેના દ્વારા કવર ફાયરિંગ અપાઈ રહ્યું છે.
ગુરુવારે સવારે સાત વાગ્યે જ્યારે આખો દેશ સ્વતંત્રતા દિવસ માનવી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાને અચાનક સેનાની ચોકીઓને નિશાન બનાવતા મોટા હથિયારોથી ભીષણ ગોળીબાર શરૂ કર્યો હતો. જિલ્લાના મેંઢર સબડિવીઝનના કૃષ્ણા ઘાટી સેક્ટરમાં યુદ્ધવિરામનો ભંગ કરતા સીમા પર વસવાટ કરતા ગામડાં પર પણ શેલિંગ કરવામાં આવ્યું હતું. તેના કારણે ગ્રામજનોમાં હડકંપ સર્જાયો હતો.
સેનાએ મોરચો સંભાળતા નાપાક હરકતોનો જવાબ આપવાનું શરૂ કરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન પીઓકેના બટ્ટલમાં પાકિસ્તાની સેનાના એક ડઝનથી વધારે જવાનો ઠાર થયા હતા. તેના પછી સીમાપારથી ગોળીબાર બંધ થયો હતો. સૂત્રો મુજબ પીઓકેના બટ્ટલમાં 12થી વધારે જવાનો ઠાર થયા હતા. આ ઘટના બાદ આઈબી અને એલઓસી પર સતર્કતા વધારી દેવામાં આવી છે.
સીમાપારથી થનારી દરેક ગતિવિધિઓ પર સેના નજર રાખી રહી છે. તો સેનાની વળતી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. પોતાના લોકોનો આક્રોશ દબાવવા માટે પાકિસ્તાન પાંચ ભારતીય જવાનોએ જીવ ગુમાવ્યાના ખોટા સમાચાર પણ ફેલાવ્યા હતા.