અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. હજુ દિવાળી સુધી શાળા-કોલેજ ખુલવાની શકયતાઓ ખૂબ ઓછી છે. ત્યારે પ્રથમ શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, ગ્રામિણ વિસ્તારમાં ઓનલાઈન એજ્યુકેશન અશક્ય હોવાથી શિક્ષકો અને શાળા સંચાલકો વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે. બનાસકાંઠાના પારપડા ગામના શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે નવો જ રસ્તો શોધી કાઢ્યો છે. ગામના તમામ ફળિયામાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યાં છે. આ લાઉટ સ્પીકરની મદદથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર નજીક આવેલા પારપડા ગામની પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તેવી સ્થિતિ નથી. અનેક વિદ્યાર્થીઓના વાલીઓ પાસે સ્માર્ટફોન નહીં હોવાથી વિદ્યાર્થીઓનું અભ્યાસ બગડવાની ચિંતા સ્કૂલના આચાર્ય અને શિક્ષકોને સતાવી રહી હતી. દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગામના વિવિધ જગ્યાએ લાઉડટસ્પીકર લગાવીને અભ્યાસ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. જેથી સરપચેં પણ શિક્ષકોના સૂચનને સ્વિકારી લીધું હતું. ગામમાં વિવિધ વાસ અને ચોકમાં લગભગ 16 જેટલા લાઉડસ્પીકર મુકવામાં આવ્યાં છે. હાલ સવારે 8થી 11 વાગ્યા સુધી શિક્ષકો લાઉડસ્પીકરની મદદથી દરરોજ 200થી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યાં છે.
સોમવાર, બુધવાર અને શુક્રવારે ધો-1થી 5 અને મંગળવાર, ગુરુવાર અને શનિવારે ધો-6થી 8ના વિદ્યાર્થીઓને સવારે અભ્યાસ કરાવવામાં આવે છે. દરરોજ વિવિધ વિષયના ત્રણ શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.