Site icon hindi.revoi.in

ગુજરાતની રક્ષા યુનિવર્સિટી બનશે રાષ્ટ્રીય કક્ષાની, લોકસભામાં બિલ પાસ થયું

Social Share

અમદાવાદઃ ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાની રક્ષા શક્તિ યુનિવર્સિટી બનશે. લોકસભામાં આ અંગેનું બિલ પસાર થયુ હતું. દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે ‘ટ્રેનિંગ- રિસર્ચ- એકસ્ટેન્શન- એજ્યુકેશન’નું માળખું સુદ્રઢ કરવાની દિશામાં ગુજરાતે આગેકૂચ કરી છે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલીવાર પોલીસ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરતી ગુજરાતની આ શૈક્ષણિક સંસ્થાને રાષ્ટ્રીય દરજ્જો અપાયો છે. આ સૂચિત કેન્દ્રિય યુનિવર્સિટીનું વડુ મથક ગાંધીનગર ખાતે રહેશે. રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે અને આ ક્ષેત્રે પણ શૈક્ષણિક તકોનો વ્યાપ વધે તે માટે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને કારણે આ યુનિવર્સિટી હવે રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મેળવશે. આ માટે લોકસભામાં આ અંગેનું ઐતિહાસિક બિલ કેન્દ્રિય ગૃહ રાજય મંત્રી જી.કિશન રેડ્ડી  દ્વારા રજૂ કરાયું હતું અને લોકસભામાં પસાર પણ કરાયું છે.

તેમણે વધુમાં જાણાવ્યું હતું કે, લોકસભામાં ગૃહરાજય મંત્રી રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી બિલ- 2020 પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી. ચર્ચામાં રેડ્ડીએ દેશના અનેક રાજ્યોના પોલીસ બળો તથા અર્ધલશ્કરી સુરક્ષા બળો માટે એક સમર્પિત શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન હોવાના મહત્વ અંગે વિસ્તૃત માહિતી લોકસભાના સભ્યોને પૂરી પાડી હતી. આ બિલના માધ્યમથી ગુજરાતના ગાંધીનગર જિલ્લાના દહેગામ સ્થિત લવાડ ખાતે કાર્યરત રક્ષા શક્તિ યુનિવર્સિટીને હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરીકે અપગ્રેડ કરાઈ છે. એની સાથે જ RSUને ‘ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.

Exit mobile version