અમદાવાદઃ ગુજરાતમાં આવતીકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ રહ્યો છે. જેથી શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. જો કે, કોરોના મહામારીને પગલે ભક્તોએ ભોળાનાથના દર્શન માટે અનેક બાબતોનું ધ્યાન રાખવું પડશે. રાજ્યના શિવાલયો ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના માટે સરકારની ગાઈડલાઈન અનુસાર નિયમો બનાવ્યાં છે.
ગુજરાતમાં આવતીકાલે મંગળવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થશે. જેથી ગુજરાત શિવમય બની જશે. શ્રાવણ મહિનામાં મંદિરમાં મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે. તો અભિષેક પણ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે અનેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભક્તો અભિષેક કરી શકશે નહીં. મંદિરની વ્યવસ્થાપન સમિતિ દ્વારા આ માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ માસ્ક વગર ભક્તોને પ્રવેશ પણ નહીં આપવામાં આવે. આ ઉપરાંત પૂલ-હાર અને પ્રસાદ પણ ભક્તો અર્પણ કરી શકશે નહીં.
ગુજરાતના સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથમાં શ્રાવણ મહિનામાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથ દાદાને રોજ નવા-નવા શણગાર સજાવવામાં આવશે.