Site icon hindi.revoi.in

ટ્રિપલ તલાક બિલના વિરોધમાં JDU-AIADMKનું રાજ્યસભામાંથી વોકઆઉટ, મોદી સરકારને ફાયદો

Social Share

કેન્દ્રની મોદી સરકારની સામે વિવાદીત ટ્રિપલ તલાક બિલને રાજ્યસભામાં પારીત કરાવવાનો પડકાર છે. પરંતુ તેના સાથીપક્ષ જેડીયુ અને સમર્થક એઆઈએડીએમકેના ગૃહમાંથી બહાર રહેવા છતાં પણ બિલને પારીત કરાવવાનો માર્ગ એક રીતે સાફ થઈ ગયો છે. બંને પક્ષોએ બિલનો વિરોધ કરતા ગૃહમાંથી વોકાઆઉટ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સને ટાંકીને જાણકારી આપવામાં આવી છે કે વોકઆઉટ કરનારા પક્ષોમાં તેલંગાણાની રુલિંગ પાર્ટી ટીઆરએસ પણ સામેલ થવાની છે. આ પક્ષોના વોકઆઉટ બાદ ગૃહમાં બહુમતીના આંકડાને સ્પર્શવાનો ભાજપનો પડકાર ઓછો થઈ જશે.

વોક આઉટ ફોર્મ્યુલા ક્યાંકને ક્યાંક સત્તાધારી પક્ષ ભાજપને જ મદદગાર થઈ રહી છે. આ રણનીતિને આરટીઆઈ બિલના સંશોધન દરમિયાન પણ અજમાવવામાં આવી છે, જ્યારે વોકઆઉટ બાદ રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું થયું અને ભાજપને તેનો લાભ મળી ગયો. હાલ રાજ્યસભામાં સાંસદોની કુલ સંખ્યા 241 છે. પરંતુ જનતાદળ યુનાઈટેડ અને એઆઈએડીએમકેને વોકાઉટ બાદ હવે સાંસદોની સંખ્યા 213 થઈ છે. બહુમતી માટે 107નું સંખ્યાબળ હોવું જોઈએ અને એનડીએની પાસે 107 સાંસદો છે. તેવામાં બિલને પારીત કરવાનો માર્ગ 100 ટકા સાફ થઈ ચુક્યો છે.

ટ્રિપલ તલાક બિલ રજૂ કરતા કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યુ હતુ કે આ બિલ માનવતા, મહિલાને શક્તિ આપવા અને લૈંગિક સમાનતા પ્રત્યે પ્રતિબદ્ધ રહેશે અને રાજકારણના ચશ્માથી તેને જોવું યોગ્ય નથી. તેમણે કહ્યુ હતુ કે 20થી વધારે ઈસ્લામિક દેશોએ ટ્રિપલ તલાકમાં સંશોધન કર્યું છે. શાહબાનોએ 1986માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

ટ્રિપલ તલાક બિલ પર નીતિશ કુમારની પાર્ટી જેડીયુ કેન્દ્ર અને બિહારમાં એનડીએની સહયોગી છે. તેનું કહેવું છે કે તે આ બિલની વિરુદ્ધમાં છે. લોકસભામાં ચર્ચા દરમિયાન જેડીયુએ કહ્યું હતું કે આનાથી સમાજમાં અવિશ્વાસ ફેલાશે. મહત્વપૂર્ણ છે કે સોમવારે સાંજે વડાપ્રધાન મોદીએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારને ફોન કર્યો હતો. જો કે ત્યારે જાણકારી મળી હતી કે તેમણે બિહારમાં પૂરની સમસ્યાના સંદર્ભે સીએમ સાથે વાતચીત કરી હતી.

ટ્રિપલ તલાક બિલમાં જોગવાઈ છે કે જો પતિ તાત્કાલિક ત્રણ તલાક બોલે છે, તો તેને ત્રણ વર્ષની સજા થઈ શકે છે. મોદી સરકારે પહેલા કાર્યકાળમાં પણ આ બિલને પારીત કરાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ રાજ્યસભામાં પુરતી બહુમતીના અભાવે આ બિલ પારીત થઈ શક્યું નહીં. હાલમાં તમામ વિપક્ષી દળો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિપક્ષનું કહેવું છે કે આ બિલના પારીત થવાથી કાયદાનો ઉપયોગ મુસ્લિમો વિરુદ્ધ કરવામાં આવશે. માટે તેની સમીક્ષા માટે સંસદીય સમિતિ પાસે તેને મોકલવામાં આવે.

Exit mobile version