Site icon Revoi.in

પ્રતિબંધિત 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સને ભારત સરકારે આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ ચીનના જવાનોએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં હતા. તેમજ સીમા વિવાદ વકર્યો હતો. આ દરમિયાન રાષ્ટ્રની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ટીકટોક સહિત 59 જેટલી ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારે હવે ભારત સરકારે આ કંપનીઓને પ્રતિબંધના આદેશનું પાલન કરવા અને પાલન નહીં કરવામાં આવે તો આકરી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટીકટોક, યુસી બ્રાઉઝર સહિત 59 ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. જેથી ચાઈનાએ અને પ્રતિબંધિત કંપનીઓ નારાજગી વ્યક્ત કરી હતી. આ દરમિયાન ટીકટોક સહિતની કેટલીક પ્રતિબંધિત ચાઈનીઝ એપ્સ ગેરકાયદે રીતે ભારતીય મોબાઈલ ફોનમાં ઘુસણખોરી કરી રહી હોવાની ફરિયોદો ઉઠી હતી.

ભારત સરકારના આઈટી મંત્રાલયે આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે જેમાં ચેતવણી આપી છે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ પ્રતિબંધિત એપ્સની ઉપલબ્ધતા અને સંચાલન ચાલુ રાખવું એ માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી અધિનિયમ અને અન્ય લાગુ કાયદાઓ હેઠળ અપરાધ પણ છે અને તેના માટે ગંભીર કાર્યવાહી થઈ શકે છે. આ એપ્સ ભારતમાં કોઈ પણ માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે તો સરકારી આદેશોના ભંગ તરીકે ગણીને આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે ચાલતા સીમા વિવાદ વચ્ચે ભારત સરકાર દ્વારા 59 જેટલી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમજ ભારતમાં કાર્યરત કેટલીક કંપનીઓ રોડ નિર્માણ સહિતની કામગીરીથી દૂર કરવામાં આવી છે.