Site icon Revoi.in

ક્વિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રણેતા “ફાધર ઓફ નેશન” ગાંધીબાપુની પ્રેરણાથી “ફાધર ઓફ ઈન્ડિયા” પીએમ મોદીની ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ

Social Share

2 ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મજયંતી

ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટથી ગાંધીજીને શ્રદ્ધાંજલિ

પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી આખો દેશ મનાવી રહ્યો છે. બાપુના સૂત્રો હતા ક્વિટ ઈન્ડિયા અને ક્લિન ઈન્ડિયા. અંગ્રેજોની સામે ક્વિટ ઈન્ડિયા આંદોલનની સફળતાથી ભારતને સ્વતંત્રતા મળી, પરંતુ ગાંધીજીનું ક્લિન ઈન્ડિયાનું સપનું અધુરું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના સપનાનું ભારત બનાવવા માટે સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી અને બાપુની 150મી જયંતીએ આ સપનું સાકાર કરીને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે.

26 મે-2014ના રોજ પોતાની પ્રથમ ટર્મમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા હતા. વડાપ્રધાન કાર્યાલયમાં તેમણે પૂજ્ય ગાંધીબાપુની તસવીરને સ્થાપિત કરીને પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. 2 ઓક્ટોબર-2014ના રોજ ગાંધી જયંતી વખતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુના ક્લિન ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે આને દેશભક્તિની ભાવના સાથે જોડીને જોવું જોઈએ. એક ભારતીય નાગરીક હોવાને નાતે આ આપણી સામાજિક જવાબદારી છે કે આપણે 2019માં મહાત્મા ગાંધીની 150મી જયંતી ઉજવવા સુધી તેમના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરીએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં પણ દેશમાં શૌચાલયોના નિર્માણ થકી મહિલાઓને ઈજ્જત બક્ષવાના અભિયાનનું એલાન કર્યું હતું. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સંબોધિત કરતા દેશમાં શૌચાલય નિર્માણ અને દેશને ખુલ્લામાં શૌચાલય મુક્ત બનાવવા માટેનો સંકલ્પ રજૂ કર્યો હતો.

ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ શા માટે?

વિશ્વ બેંકના એક અભ્યાસ પ્રમાણે, મુખ્તત્વે સ્વચ્છતાની ઉણપને કારણે ભારતમાં 40 ટકા બાળકોનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ થઈ શકતો નથી. આપણી ભાવિ કાર્યશક્તિનો આટલો મોટો હિસ્સો પોતાની પૂર્ણ ઉત્પાદન ક્ષમતાને જ પ્રાપ્ત કરી શકતો નથી. આ આપણા માનવબળ માટે એક ગંભીર ખતરો છે. વર્લ્ડ બેંકના અનુમાન પ્રમાણે સ્વચ્છતાના અભાવથી ભારતને તેની જીડીપીના 6 ટકાનું નુકસાન થાય છે.

યુનિસેફના એક અભ્યાસ પ્રમાણે, ખુલ્લામાં શૌચથી મુક્ત ગામડાંમાં દરેક પરિવારે વર્ષમાં 50 હજાર રૂપિયા બચાવ્યા છે. આ બચત દવાઓ પર થનારા ખર્ચમાં આવેલા ઘટાડા તથા સમય અને જીવન બચાવવાથી પ્રાપ્ત થઈ છે. આમા એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાથી થનારા પ્રતિ પરિવાર આર્થિક લાભ દશ વર્ષમાં સરકારી અને અન્ય સ્ત્રોતો દ્વારા કરવામાં આવેલા ખર્ચ તથા પરિવાર દ્વારા લગાવવામાં આવેલા નાણાંના 4.7 ગણો છે. સ્વચ્છ ભારત મિશન પર કેન્દ્ર અને રાજ્યોની સરકારો પાંચ વર્ષોમાં 20 અબજ ડોલર ખર્ચ કરવાની છે. સ્વચ્છ ભારત કોષ દ્વારા વિશેષ સફાઈ યોજનાઓ માટે 660 કરોડ રૂપિયાની રકમ એકઠી કરવામાં આવી છે અને તેને જારી પણ કરી દેવામાં આવી છે.

સફળતા-

ભારતમાં ગત પાંચ વર્ષમાં અંદાજે 11 કરોડ શૌચાલયોનના નિર્માણથી ગ્રામીણ સ્વચ્છતામાં સુધારાને કારણે બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે. સ્વચ્છતા અભિયાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોશિશોએ એક જનાંદોલનનું સ્વરૂપ આપ્યું છે. તેનાથી ખુલ્લામાં શૌચ કરનારાઓની સંખ્યા ઘણી ઓછી થઈ છે. દેશની 68 ટકાથી વધારે વસ્તી પાસે હવે સુરક્ષિત શૌચની સુવિધા ઉપલબ્ધ છે. આ કોશિશો બદલ તાજેતરમાં ન્યૂયોર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશને પ્રતિષ્ઠિત ગ્લોબલ ગોલકીપર્સ એવોર્ડથી સમ્માનિત કર્યા છે. માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે તેમને એવોર્ડ પ્રદાન કર્યો હતો.

ગુજરાતના પનોતા પુત્રે ક્વિટ ઈન્ડિયાથી અંગ્રેજી સલ્તનતે ઉખાડી ફેંકી, પણ તેમનું ક્લિન ઈન્ડિયાનું અધુરું સ્વપ્ન ગુજરાતના બીજા પનોતા પુત્રે 2014માં હાથ ધર્યું અને હવે તે પૂર્ણતા તરફ છે. ગાંધીજી કહેતા સ્વચ્છતા આદત બનવી જોઈએ. અમેરિકા મુલાકાત વખતે ગુલદસ્તામાંથી નીચે પડેલા ફૂલ ઉઠાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રશ્યો સૌએ જોયા હશે.

આ સિવાય કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતાની આદત ઉડીને આંખે વળગવાના ઉદાહરણો છે. જેમ કે પેપર નેપકીનને કોઈ જોવે નહીં તેવી રીતે ડસ્ટબિનની વ્યવસ્થા ન હોય, તો પોતાના ખિસ્સામાં મૂકીને તેમણે સ્વચ્છતાને આદત બનાવવાનો સંદેશ આપ્યો છે. સ્વચ્છ અને હરિત ભારતની આગામી કડીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્તિનું અભિયાન પણ હાથ ધરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્લિન ઈન્ડિયા મૂવમેન્ટ આગળ વધારીને બાપુના સપનાનું ભારત બનાવવા તરફ પગલા આગળ વધાર્યા છે.