અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં આર્થિક મુશ્કેલીમાં મુકાયાલા પરપ્રાંતિય શ્રમિકો પોતોના વતન તરફ પ્રયાણ કર્યું હતું. જો કે, અનલોકમાં હવે ફરીથી વેપાર-ધંધા શરૂ થયાં છે. જેથી રોજગારીની શોધમાં વતન ગયેલા પરપ્રાંતિય શ્રમિકો પરત ગુજરાત ફરી રહ્યાં છે. જો કે, હવે આ શ્રમિકોએ ફરજીયાત નાયબ શ્રમ આયુકતની કચેરીમાં નોંધણી કરાવી પડશે. એટલું જ નહીં તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા લાખો પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જતા રહ્યાં હતા. સરકાર દ્વારા શ્રમિકોને પોતાના ઘરે પહોંચાડવા માટે ખાસ ટ્રેન પણ દોડવવામાં આવી હતી. રાજ્યમાંથી લગભગ 12 લાખથી વધારે શ્રમિકો લોકડાઉના સમયગાળામાં પોતોના વતન જતા રહ્યાં હતા. અત્યારે અનલોકમાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દુકાનો, ફેકટરી સહિતના વ્યવસાયના સ્થળો સરકારની શરતોને આધીન શરૂ થયાં છે. બીજી તરફ રાજ્યમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં હોવાથી સરકાર પણ સંક્રમણ વધારે ન ફેલાય તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે ચાર મહિના પોતાના વતનમાં વિતાવ્યાં બાદ હવે ફરીથી પરપ્રાંતિય શ્રમિકો રોજગારીની શોધમાં ગુજરાત આવી રહ્યાં છે. દરમિયાન સરકારે આ શ્રમિકોને ધ્યાનમાં લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં રોજગારીની શોધમાં આવતા પરપ્રાંતિય શ્રમિકોએ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. એટલું જ નહીં જરૂર પડે કોરોનાનો ટેસ્ટ પણ કરવામાં આવશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરત તેમજ અન્ય નાના–મોટા વિસ્તારમાં પોતાનો વ્યવસાય કરતાં અથવા તો નોકરી કરતાં શ્રમિકોએ જે તે મ્યુનિસિપલ કોર્પેારેશન વિસ્તાર કે પાલિકા વિસ્તારમાં ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો શ્રમિકો દ્વારા નોંધણી નહીં કરાવવામાં આવે તો તેમની સામે પગલા ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.