અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ગત માર્ચ મહિનાથી સ્કૂલ-કોલેજોમાં બંધ છે. તા. 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજ કોરોના ગાઈડલાઈન અનુસાર ચાલુ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ દિવાળીના તહેવારો બાદ ફરી એકવાર કોરોનાએ માથુ ઉચકતા આ નિર્ણય મુલત્વી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ ચિંતિત વાલીઓ પણ જ્યાં સુધી રસી ન આવે ત્યાં સુધી સંતાનોને સ્કૂલ મોકલા માંગતા નથી. એટલું જ નહીં સરકાર પણ હવે નવા શૈત્રણિક સત્રથી સ્કૂલ શરૂ માંગતી હોવાનું ચર્ચાય રહ્યું છે. તેમજ નીચલા વર્ગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા મુદ્દે વિચારણા ચાલી હોવાનું જાણવા મળે છે. જો કે, ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષાઓ સરકારની ગાઈડલાઈન અનુસાર લેવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં કોરોનાના કેસોની સ્થિતિને જોતા આ શૈક્ષણિક વર્ષમાં શાળાઓ ફરીથી ખોલવા અંગે હાલ રાજ્ય સરકારની કોઈ યોજના નથી. શૈક્ષણિક વર્ષના અંત પહેલા કોવિડ-19ના કેસોમાં તીવ્ર ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. જેથી આવતા શૈક્ષણિક વર્ષ એટલે કે 2021ના ઉનાળુ વેકેશન સુધી શાળાઓ ન ખોલવી જોઈએ. તેમ શિક્ષણ વિભાગના અધિકારીઓ માની રહ્યાં છે. શિક્ષણવિદોના મતે સરકાર માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ કોવિડ-19ની ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે. પરંતુ કોરોનાની પરિસ્થિતિ વધારે વિકટ હશે તો પરીક્ષા પાછી ઠેલાય તેવી પણ શકયતાઓ જોવાઈ રહી છે.