Site icon Revoi.in

અમિતાભ બચ્ચન અને કેબીસીના નિર્માતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય અભિમન્યુ પવારે બોલીવુડના બાદશાહ અમિતાભ બચ્ચન અને કૌન બનેગા કરોડપતિના નિર્માતાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાની સાથે એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. પવારે આરોપ લગાવ્યો છે કે’કૌન બનેગા કરોડપતિ’ના એક કાર્યક્રમ દરમિયાન મનુસ્મૃતિ અને ડો.બી.આર આંબેડકર વિશે પૂછેલા પ્રશ્ને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

ભાજપના ધારાસભ્ય પવારે ટવિટ કરીને માહિતી આપી હતી કે, આ શોએ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને હિન્દુઓમાં નફરત પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. પવારે પોતાના ટ્વિટમાં પોલીસને કરેલી ફરિયાદની બે નકલો પણ જોડી છે.

પવારે મહારાષ્ટ્રની લાતુર પોલીસમાં તેમની ફરિયાદ નોંધાવી છે, જેમાં અમિતાભ બચ્ચન અને સોની એન્ટરટેઈનમેન્ટ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. શુક્રવારે કેબીસીના કરમવીર સ્પેશ્યલમાં એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર પવારે વાંધો ઉઠાવ્યો છે અને એફઆઈઆરની માંગ કરી છે.

પવારની ફરિયાદ મુજબ,’કૌન બનેગા કરોડપતિ’માં એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે, 25 ડિસેમ્બર 1927ના રોજ બી.આર. આંબેડકર અને તેમના અનુયાયીઓએ ક્યાં શાસ્ત્રોની નકલ સળગાવી હતી. તેમાં જવાબો માટેના વિકલ્પ હતા,વિષ્ણુ પુરાણ,ભગવદ્ ગીતા, ઋગ્વેદ અથવા મનુસ્મૃતિ.

ફરિયાદમાં કહેવામાં આવ્યું કે, તમામ વિકલ્પો હિન્દુ શાસ્ત્રોના હતા, તેથી તે ઇરાદાપૂર્વકનું કાવતરું હતું. પવારે ફરિયાદમાં લખ્યું કે, જો તેના હેતુઓ સાચા હોત તો, માત્ર હિન્દુ શાસ્ત્રો જ નહીં,પરંતુ અન્ય ધાર્મિક શાસ્ત્રોના નામ પણ જવાબ વિકલ્પોમાં લખવામાં આવ્યાં હોત.

_Devanshi