વિદેશ પ્રધાન એસ. જયશંકરે બીજિંગમાં ચીનના ઉપરાષ્ટ્રપ્રમુખ વાંગ ચિશાન સાથે સોમવારે મુલાકાત કરી છે. વાંગ ચિશાન સાથે જયશંકરની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે, કારણ કે જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવાયા બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી પણ ચીન પહોંચ્યા હતા.
જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ-370ને હટાવવા પર ઘણાં દેશોએ વિરોધ કર્યો હતો, તો કેટલાક દેશ ભારતની સાથે ઉભેલા દેખાયા હતા. પાકિસ્તાનની સરકાર કાશ્મીર પર લેવામાં આવેલા ભારતના નિર્ણય પર ખળભળી ઉઠી છે.
રવિવારે વિદેશ પ્રધાન એસ. જયશંકર ત્રિદિવસીય ચીન મુલાકાતે પહોંચ્યા હતા. માનવામાં આવે છે કે પાકિસ્તાન સાથે ઘેરા તણાવને લઈને આ બેઠક ઘણી મહત્વપૂર્ણ છે. આ મુલાકાત દરમિયાન કાશ્મીર પર પણ વાતચીત થશે.
પદ સંભાળ્યા બાદ વિદેશ પ્રધાન એસ. જયશંકરની ચીનની આ પહેલી મુલાકાત છે. જો કે વિદેશ પ્રધાન એસ. જયશંકર 1 જૂન-2009થી 1 ડિસેમ્બર-2013 સુધી ચીનમાં ભારતીય રાજદૂત તરીકે કામ કરી ચુક્યા છે. તેઓ 1977માં ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા હતા. જયશંકર ચીન સિવાય અમેરિકા, ચેક રિપબ્લિકમાં રાજદૂત અને સિંગાપુરમાં હાઈકમિશનર તરીકે પણ કામ કરી ચુક્યા છે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે એચએલએમની આ બેઠકમાં બે દેશો વચ્ચે વધુમાં વધુ તાલમેલ બનાવી રાખવા માટે ટૂરિઝમ, કળા, ફિલ્મો, મીડિયા, સંસ્કૃતિ અને ખેલ જેવા ક્ષેત્રોમાં પ્રોત્સાહન મળશે. તેની સાથે જ સંસ્કૃતિના આદાન-પ્રદાનને એક સારું માધ્યમ સાબિત થઈ શકે છે.