Site icon hindi.revoi.in

દરેક વ્યક્તિને કામ કેટલુ કરવુ, કેવુ કરવુ અને કેવી ભાવનાથી કરવુ તેના વિશે ખબર હોવી જોઈએ: એસ.બી.દંગાયચ

Social Share

– વિનાયક બારોટ

જીવનમાં સફળ થવા માટે દરેક વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય છે. તમામ વ્યક્તિ પોતાની આત્મશક્તિ અને પોતાની વિચારધારા પ્રમાણે સફળતા મેળવતો હોય છે. પણ એક હસ્તી એવી પણ છે કે જેમની વિચારધારા અસંખ્ય યુવાનો માટે પ્રેરણા બની શકે છે.

તે વ્યક્તિનું નામ છે એસ.બી.દંગાયચ કે જેમની ક્યારેય હાર ન માનવાની વૃતિ તેમની સફળતાનો માર્ગ બની. એસ.બી દંગાયચના જીવનના કેટલાક પ્રસંગ એવા પણ છે જે વાચકોને જીવનમાં કાંઈક મોટુ કરવાની પ્રેરણા આપી શકે તેમ છે.

જીવનમાં બાળપણ એક યાદગાર પ્રસંગ

એસ.બી.દંગાયચ પહેલાથી જ હાર ન માનવાની વૃતિ ધરાવતા હતા, તેઓએ પોતાના બાળપણની સોનેરી પળને યાદ કરતા કહ્યું કે – તેમનો ધોરણ સાત સુધીનો અભ્યાસ રાજસ્થાન રાજ્યના એક નાના ટાઉન – નવલગઢમાં થયો હતો. રાજસ્થાનમાં ભણતા હતા ત્યારે હંમેશા પહેલો તથા બીજો નંબર આવતો હતો પણ જ્યારે તેમના દાદીનું અવસાન થયુ તે બાદ તેમને પિતા સાથે મુંબઈ રહેવાની ફરજ પડી હતી.

એસ.બી.દંગાયચ જ્યારે મુંબઈ માટે રવાના થતા હતા ત્યારે કેટલાક લોકો એવુ પણ કહેતા કે તે મુંબઈમાં પહેલો બીજો નંબર લાવી શકશે નહી, ને શહેરનું ભણતર વધારે અઘરુ હોય. પણ એસ.બી.દંગાયચએ આ તમામ લોકોની વાતને ખોટી સાબીત કરી અને મુંબઈમાં પણ સફળતા મેળવી.

ગામડાની શાળામાંથી મુંબઈની શાળામાં આવ્યા બાદ ધોરણ-9માં પહેલી જ ટર્મિનલ પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં સૌથી વધારે માર્ક મેળવીને પ્રથમ નંબર મેળવ્યો હતો. આ પછી તો શાળાના શિક્ષકો તથા અન્ય વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ આવ્યો કે દંગાયચમાં કોઈક મોટી વાત છે.

કોલેજ સમયની યાદગાર વાત

જ્યારે શાળાનો અભ્યાસ પુર્ણ કરીને મુંબઈની જય હિંદ કોલેજમાં એડમિશન લીધુ હતુ ત્યારે કોલેજમાં પણ લોકોને લાગતુ કે હીંદી મીડિયમનો વિદ્યાર્થી છે એટલે કાંઈ ખાસ કરી શકશે નહી પરંતુ જ્યારે મેથેમેટીક્સ વિષયના પેપર ખુલ્યા અને હાઈએસ્ટ માર્ક એસ.બી.દંગાયચના જાહેર કરવામાં આવ્યા ત્યારે લોકોને લાગ્યું કે વિદ્યાર્થીમાં કાંઈક છે.

આ પ્રકારની સફળતાઓ બાદ એસ.બી.દંગાયચને પોતાનામાં વિશ્વાસ આવ્યો અને તેઓને જાણ થઈ કે જીવનમાં કાંઈક મેળવવા માટે પરીશ્રમ કરવામાં આવે તે લાંબા ગાળે તેનું ફળ તો મળે છે.

આ પછી તેઓ આઈઆઈએમ અમદાવાદમાં આવ્યા.  આઈઆઈએમ અમદાવાદમાં ખુબ નાની ઉંમરે પ્રવેશ મેળવ્યો અને તે સમયે આઈઆઈએમ અમદાવાદ એમબીએ કર્યું ત્યારે તેઓ આઈઆઈએમ અમદાવાદના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે એમબીએ કરનારા વિદ્યાર્થી હતા.

અશક્ય લાગતું કામ કર્યું અને મળી સફળતા

આ બાબતે એસ.બી.દંગાયચે કહ્યું કે જ્યારે તેઓ ઈન્ટરસાયન્સમાં હતા ત્યારે તેમને એન્જિનિયરિંગ ભણવાનો વિચાર હતો, પણ તેઓ તેમાં ગયા નહી અને બીએસસી ભણવાનું પસંદ કર્યુ. તે સમયે લોકો કહેતા કે જેમને એન્જિનિયરિંગ કે અન્ય સારી લાઈનમાં પ્રવેશ ન મળે તે જ વ્યક્તિ બીએસસીમાં એડમિશન લેતા હોય છે. પણ તેમને શોખ હતો એટલે તેઓ બીએસસી ભણ્યા.

બીએસસી કરતા સમયે તેમને ભવિષ્ય વિષે કોઈ ખાસ ખ્યાલ ન હતો પણ તે સમયે એક ઓળખીતા મિત્ર દ્વારા સલાહ આપવામાં આવી હતી કે એક નવો કોર્ષ શરુ થયો છે એનું નામ છે એમ.બી.એ અને જો તેમાં તે પાસ થઈ જાય તો સારી નોકરી મળી રહે.. તો તે સમયે સત્યનારાયણ દંગાયચએ નક્કી કર્યું કે તેમને પણ એમબીએ કરવુ છે.

આ સમયે જે વ્યક્તિએ તેમને જાણકારી આપી તે વ્યક્તિ પણ કહેતી હતી કે સત્યનારાયણ દંગાયચ આ કોર્ષ ન કરી શકે. લોકોને લાગતુ હતુ કે સત્યનારાયણ દંગાયચને અંગ્રેજી આવડતુ નથી, તેઓ અન્ય પ્રવૃતિમાં ભાગ લેતા નથી. તેથી આઈઆઈએમમાં એડમિશન ન મળે.

આ બાદ સત્યનારાયણ દંગાયચએ શરત લગાવી અને પોતાનો રેઝ્યુમને (Resume’) અન્ય પ્રવૃતિઓથી પણ ભરીને સરસ બનાવ્યો.. આ બાદ તેમને આઈઆઈએમ-કોલકતામાં સીધુ એડમિશન મળ્યું અને આઈઆઈએમ-અમદાવાદમાં એડમિશન પેન્ડિંગમાં હતુ. આખરે આઈઆઈએમ અમદાવાદમાં પણ એડમિશન મળ્યુ અને આ પછી ખબર પડી કે કોઈ વસ્તુ નો સંકલ્પ કરીને તેના પર મહેનત કરવામાં આવે તો.. તેમાં તમને સફળતા મળે છે.

ભણતર બાદ જીવનની પહેલી સફળતા

દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ક્ષણો એવી પણ હોય કે જેને તે ક્યારેય ભુલી શકે નહી અને તેમાં એક ક્ષણ છે જીવનની પહેલી નોકરી. આ બાબતે તેમણે કહ્યું કે વર્ષ 1972માં એમબીએ પુર્ણ કર્યું તે બાદ પહેલી નોકરી તેમને એસીયન પેઈન્ટસમાં મળી. એસીયન પેઈન્ટસવાળા કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ માટે આવ્યા હતા. તે સમયે તેમના નિયમ હતો કે જેમણે એન્જિનિયરિંગ કર્યું હોય અને એમબીએ કર્યું હોય તે લોકોને જ નોકરી મળશે. આ સમયે મુંઝવણ તો હતી જ. તો પણ દંગાયચએ નોકરી માટે અરજી કરી. જોબ પ્લેસમેન્ટ માટે આવેલા માણસોએ દંગાયચને પુછ્યું કે તમે એન્જિનિયરિંગ નથી કર્યું તો તમને જોબ કેવી રીતે મળે?

તો આ સમયે સત્યનારાયણ દંગાયચએ કહ્યું કે તમે વિદ્યાર્થીની આવડત પર ધ્યાન આપો. તો આ સમયે જોબ પ્લેસમેન્ટ માટે આવેલા અધિકારીઓએ કહ્યું કે.. તમે મારવાડી છો અન્ય વેપાર પણ કરી શકો..

તો સમયે સત્યનારાયણ દંગાયચએ કહ્યું કે મારા માટે પૈસા મહત્વના નથી પણ કામ મહત્વનું છે. અને આ વાત સાંભળીને તેમનું એસીયન પેઈન્ટસમાં સીલેક્શન થયુ. એસીયન પેઈન્ટસમાં 2થી અઢી વર્ષ કામ કર્યું. તે બાદ તેમણે ભારત વિજય મીલ્સમાં કામ કર્યું. ભારત વિજય મિલ્સ પણ એમબીએ થયેલુ વ્યક્તિ શોધતા હતા અને અડધો કલાકમાં જોબ મળી.

ભારત મીલ્સની નવી જોબમાં એસ.બી.દંગાયચએ તેમણે કહ્યુ કે તેમને કામ કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ.

તે સમયે કંપનીએ એસ.બી.દંગાયચને કહ્યું કે જો તમે પોતાને સાબીત કરશો તો તમને સ્વતંત્રતા મળશે. આ પછી બે ત્રણ મહીનામાં કંપનીને એસ.બી.દંગાયચના કામ પર વિશ્વાસ આવી ગયો અને વર્ષ 1974માં માર્કેટિંગ ઓફિસર તરીકે જોડાય બાદ તેમને થોડા સમયમાં તે નાના યુનિટના જનરલ મેનેજર બનાવવામાં આવ્યા.

તે સમયે તેમની ઉંમર 23 વર્ષ પણ ન હતી નહી. તે બાદ તે પદ પર તેઓ 2017 સુધી રહ્યા. લગભગ 43 વર્ષ કામ કર્યું.

આ કંપનીમાં તેમણે આંત્રપ્રિનિયોર તરીકે કામ કર્યું – જે માણસ કોઈ કંપનીમાં રહીને આંત્રપ્રિનિયોર તરીકે કામ કરતા હોય તેને ઈન્ટ્રાપ્રેનિયોર પણ કહેતા હતા. દંગાયચજીને પોતાના 43 વર્ષ કામ કર્યાનો પણ ગર્વ છે.

જીવનની સફળતામાં પરિવારનો સાથ-સહકાર

દરેક વ્યક્તિની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાતથી કદાચ કોઈ અજાણ હશે.. તો આ વાત અહિંયા એસ.બી.દંગાયચ દ્વારા પણ કરવામાં આવી. તેમણે કહ્યું કે તેમની સફળતામાં તેમની પત્નીનો ખુબ મહત્વનો ફાળો છે. જીવનના દરેક પળમાં તેમની પત્નીએ તેમને હંમેશા સાથ સહકાર આપ્યો છે જેના કારણે તેઓ તમામ પગલે સફળ રહ્યા. કંપની જ્યારે આગળ વધતી હોય ત્યારે જવાબદારી પણ વધે..તો આ પ્રકારની તમામ સ્થિતિમાં તેમની પત્નીએ તેમનો સાથ આપ્યો છે.

જીવનનો સિદ્ધાંત

વર્ષ-1998માં જ્યારે એસ.બી.દંગાયચને AMAમાં બેસ્ટ મેનેજરનો એવોર્ડ મળ્યો ત્યારે તેઓ ઘણી વાતથી જાણકાર થઈ ગયા હતા. તે સમયે તેમને લાગ્યું કે દરેક વ્યક્તિને જીવનમાં કેવુ કામ કરવુ, કેટલુ કામ કરવુ અને કેવી ભાવનાથી કામ કરવુ તે ખબર હોવી જોઈએ અને આ વાત તેમના જીવનનો સિદ્ધાંત પણ બની.

ભગવાન શ્રી ક્રિષ્નનું ઉદાહરણ આપતા આગણ તેઓએ કહ્યું કે કહ્યું કે ગીતામાં શ્રી ક્રિષ્ન પણ કહે છે કે તમે બસ કર્મ કરો.

પોતાની સફળતા વિશે જણાવતા કહ્યું કે જીવનમાં કર્મ કરવા માટે ‘ચાર-આઈ’ (4-i)નો ઉપયોગ થાય છે અને તે છે ઈનીસીયેટીવ, ઈન્ડસ્ટ્રી, ઈન્ટીગ્રીટી અને ચોથુ ઈન્ટેલીજન્સ.

ઈનીસીયેટીવ એટલે કર્મે, ઈન્ટેલીજન્સ એટલે બુધ્ધી – કોઈ પણ કામ કરો તો તેને વિચારીને કામ કરો, ઈન્ડસ્ટ્રી એટલે કે હાર્ડ વર્ક કરવાની ભાવના અને ચોથુ છે ઈન્ટીગ્રીટી – એટલે કે તમારા કર્મ પ્રત્યે નિષ્ઠાપુર્ણ રહો

આ ભાવનાથી તમામ લોકોએ કામ કરવુ જોઈએ અને તે બાદ કર્મ કરવુ જોઈએ તથા પરીણામની ચીંતા પણ કરવી ન જોઈએ.

એક મેનેજમેન્ટ ક્ષેત્રના મોટા અને જાણીતા વ્યક્તિ પીટર ડ્રકરનું ઉદાહરણ આપતા કહ્યું કે કોઈ પણ મેનેજમેન્ટનો વ્યક્તિ માત્ર 5 ટકા લોકોને જ મેનેજ કરી શકે છે. અન્ય વ્યક્તિઓનું મેનેજમેન્ટ તમારા હાથમાં નથી તો પરીણામની ચીંતા ન કરવી જોઈએ, કારણ કે તેની ચીંતા કરીને દુખી જ થવાય છે, ને ભગવાન ક્રિષ્ન આ વાતનું સૌથી મોટુ ઉદાહરણ છે.

જીવનમાં પ્રેરણા સ્ત્રોત

પ્રેરણાસ્ત્રોતનું જીવનમાં હોવુ ખુબ મહત્વનું છે. કોઈ પણ કામ કરવા માટે કોઈક તો એવુ વ્યક્તિ હોય જ છે કે જે તમને પ્રેરણા આપતુ હોય કે પ્રોત્સાહન આપતુ હોય. પણ એસ.બી.દંગાયચ એવુ વ્યક્તિત્વ છે જેમની પ્રેરણાસ્ત્રોત માટેની વ્યાખ્યા જ આખી અલગ છે.

તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, સુભાષચંદ્ર બોઝ, ઈન્દીરા ગાંધી, સ્વામી વિવેકાનંદ તથા સંતન જેવા મજબૂત વ્યક્તિત્વને પોતાના પ્રેરણાસ્ત્રોત માને છે. સૌથી મહત્વની વાત તેઓ માને છે તે એ છે કે વિશ્વની તમામ વ્યક્તિએ હંમેશા બીજાની સારી વાત પર જ ધ્યાન આપવું જોઈએ. દરેક વ્યક્તિમાં કોઈ ન ગમે તેવી વાત પણ હોય છે પણ જો તેના પર ધ્યાન આપીએ તો સારી વાત શીખી શકાય નહી.

શીખનાર વ્યક્તિની વિચારધારા પર આધારીત છે કે તે કઈ વ્યક્તિમાંથી શુ શીખી રહ્યા છે.

સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ

દરેક વ્યક્તિએ શુભ-લાભ મોડમાં કામ કરવુ જોઈએ. કામ કરવા પાછળનો ઉદેશ્ય શુભ અને લાભ હોવો જોઈએ. કમાણીનો ઉદેશ્ય સારો હોવો જોઈએ અને કમાણીનો વપરાશ પણ યોગ્ય રીતે થવો જોઈએ. કોઈને દુખી કરીને પણ કમાવું ન જોઈએ. શુદ્ધ લાભની ભાવના ન હોવી જોઈએ પણ શુભ લાભની ભાવના જરૂર હોવી જોઈએ.

આત્મનિર્ભર ભારતની વાત

એસ.બી.દંગાયચએ નોકરીની કારકીર્દી માંથી રીટાયર્ડ થઈને દેશ સેવા કરવાનું શરૂ કર્યુ. એસ.બી.દંગાયચની વિચારધારા પહેલાથી જ ‘ઈન્ડિયા સેન્ટ્રિક’ તો હતો. ઈન્ડિયા સેન્ટ્રિક એટલે કે દરેક કામ અને વાતમાં દેશ પ્રથમની ભાવના.

તો આ માટે તેમણે ‘ઈનોવેટીવ થોટ ફોરમ’ નામનું ટ્રસ્ટ શરૂ કર્યુ અને તેમાં તેમને દિલ્લીમાં રહેતા બે મિત્ર જંતાની અને ડૉ.બંસલનો પણ સાથ મળ્યો અને કુલ 3 મીત્રો સાથે રહીને આ ટ્રસ્ટ બનાવ્યુ.

ભારતના આત્મનિર્ભર બનવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે ભારતે પોલીટીકલ વિચારધારાથી નહી પરંતુ બ્યુરોક્રેટ્સના વિચારોને ધ્યાનમાં રાખીને તેના પર કામ કરીને ભારતને આત્મનિર્ભર બનાવવુ જોઈએ.

પ્રેગમેટિક-વે ફોર આત્મનિર્ભર ભારત માટેની સંકલ્પના કરીને 12 રાઉન્ડ ટેબલ કર્યા અને અલગ અલગ વિષય પર જેવા કે વેપાર-પાણી-રોજગારી-ખેતી જેવા તમામ વિષયો પર ગંભીર ચર્ચાઓ કરવામાં આવી. આ 12 વિષયોનો અભ્યાસ કરી દેશને આત્મનિર્ભર કેવી રીતે બનાવી શકાય તેના માટે નિષ્ણાંતોના વિચાર અને તેમના અભિપ્રાય પણ એકઠા કરવામાં આવ્યા.

વર્ષ 2017-18 પછી તે વિષયોમાં ઘણો સુધારો આવ્યો અને જ્યારે મહામારી જેવી સ્થિતિ આવી ત્યારે દેશને પ્રધાનમંત્રી દ્વારા આત્મનિર્ભર બનવા તરફ પ્રેરણા પણ આપવામાં આવી. આ તમામ ચર્ચામાં એક શિર્ષક કોમન હતો તે  છે ‘આત્મનિર્ભર ભારત.’

આ બાબતે નિષ્ણાંતો પણ સહમત થયા કે દેશના વિકાસ માટે જો પોતાના અભિપ્રાય અને વિચાર કામ આવી શકે તો તે વાતને તેઓ સમર્થન કરશે. આ તમામ નિષ્ણાંતોના વિચારો સત્યનારાયણ દંગાયચની પુસ્તક ‘આત્મનિર્ભર ભારત’માં પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ તમામ વિચારોને એ રીતે મુકવામાં આવ્યા છે જેને સરળ રીતે લાગુ પણ કરી શકાય તેમ છે.

Exit mobile version