Site icon hindi.revoi.in

એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલને એવિએશન ગોટાળામાં ઈડીએ મોકલ્યું સમન્સ, 6 જૂને હાજર થવા ફરમાન

Social Share

ઈડીએ દીપક તલવાર કેસમાં પ્રફુલ્લ પટેલને સમન્સ મોકલ્યું છે. ઈડીના વકીલે કહ્યુ છે કે દીપક તલવાર ગેરકાયદેસર એવિએશન મામલામાં પ્રફુલ્લ પટેલને 6 જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે. તેમણે છ જૂને સવારે સાડા અગિયાર વાગ્યે તપાસ એજન્સી સામે હાજર થવાનું છે.

તાજેતરમાં એવિએશન ગોટાળાને લઈને રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં એનસીપીના નેતા અને ભૂતપૂર્વ સિવિલ એવિએશન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલનું પણ નામ હતું.

તેમાં કહેવામાં આવ્યું છે કે પ્રફુલ્લ પટેલે વચેટિયા દીપક તલવારને વિશેષ છૂટ આપી હતી અને દીપક તલવાર પ્રફુલ્લ પટેલના ઘનિષ્ઠ મિત્ર છે. આ મામલો એર ઈન્ડિયાના ખોટમાં જવાનો છે.

આ પહેલા ઈન્કમટેક્સ વિભાગે અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર સોદા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં આરોપિત કોર્પોરેટ લોબિસ્ટ દીપક તલવાર પર સકંજો કસતા 11 કેસ નોંધ્યા છે. ઈડીના અધિકારીઓએ દીપક તલવારને દુબઈમાં 30મી જાન્યુઆરીએ એરેસ્ટ કર્યો હતો. ઈડીએ તલવાર પર આરોપ લગાવ્યો છે કે તેણે વિદેશી ખાનગી એરલાઈન્સની તરફદારી કરવાના મામલે વચેટિયા તરીકે કામ કર્યું છે. તેના કારણે ભારતની કંપનીને મોટું નુકસાન સહન કરવું પડયું છે.

મહત્વપૂર્ણ છે કે તલવાર પર આરોપ છે કે એર અરેબિયા, અમિરાત માટે વચેટિયાનું કામ કર્યું અને તત્કાલિન સિવિલ એવિએશન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલના સંપર્કથી ઘણાં કામ કરાવ્યા હતા. આના કારણે ભારતની કંપનીને મોટું નુકસાન સહન કરવું પડયું. તેના બદલામાં તેની કંપનીએ 23 એપ્રિલ-2008થી 6 ફેબ્રુઆરી-2009 વચ્ચે વિદેશી એરલાઈન્સ કંપનીઓ તરફથી 6.05 કરોડ ડોલર લગભગ 4.33 અબજ રૂપિયા મળ્યા હતા.

Exit mobile version