Site icon Revoi.in

મધ્યસ્થતાની રટ પર ભારતની અમેરિકાને સીધી વાત, કાશ્મીર પર વાત થશે, તો માત્ર પાકિસ્તાન સાથે

Social Share

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવ આપ્યા બાદ શુક્રવારે જ્યારે ભારત અને અમેરિકાના વિદેશ પ્રધાન આમને-સામને બેઠા તો આનો પણ ઉલ્લેખ થયો હતો. આ દરમિયાન ભારતે અમેરિકાને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાશ્મીર પર વાતચીતની જો જરૂરત પડશે, તો તે માત્ર પાકિસ્તાન સાથે થશે અને માત્ર દ્વિપક્ષીય થશે. આસિયાનની એક મહત્વની બેઠક સંદર્ભે થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો પહોંચ્યા છે.

અહીં આસિયાનથી અલગ દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકરે કાશ્મીર મામલે ભારતના વલણને ફરી એકવાર સ્પષ્ટ કરી દીધું છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત વખતે કાશ્મીરમાં મધ્યસ્થતાની પેશકશ કરી હતી.

ટ્રમ્પના નિવેદન બાદ ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે કાશ્મીર વિવાદ દ્વિપક્ષીય મામલો છે અને તેમા મધ્યસ્થતાને કોઈ અવકાશ નથી. મહત્વની વાત એ છે કે ટ્રમ્પના આ નિવેદનનો અમેરિકામાં પણ વિવાદ થયો હતો.કદાચ એ કારણ છે કે થાઈલેન્ડમાં બંને દેશા વિદેશ પ્રધાનોની મુલાકાતના ગતરીના કલાકો પહેલા જ ટ્રમ્પે કાશ્મીર મામલે પોતાની હવે પરિપકવ પ્રતિક્રિયા આપી છે. જો કે મધ્યસ્થતાની રટ તેઓ હજીપણ લગાવી રહ્યા છે.

ટ્રમ્પે હવે પોતાના જૂના નિવેદનને ટ્વિસ્ટ કરતા કહ્યુ છે કે આ સંપૂર્ણપણે ભારત અને પાકિસ્તાન પર નિર્ભર છે કે તેઓ કાશ્મીર મામલાના સમાધાન માટે કોઈની મદદ લેવા ચાહે છે અથવા નહીં. તેમણે આગળ કહ્યુ છ કે જો બંને પાડોશી દેશો જૂના મામલાને ઉકેલવા માટે તેમની મદદ લેવા ચાહે છે, તો તેઓ આના માટે તૈયાર છે.

ટ્રમ્પે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની સાથેની તાજેતરની મુલાકાતને લઈને કહ્યુ છે કે આ મામલા પર બંને દેશોની વચ્ચે વાતચીત થઈ છે. ટ્રમ્પે ભારત દ્વારા કાશ્મીર પર મધ્યસ્થતાના પ્રસ્તાવને ઠુકરાવવા સંદર્ભે જાય્રે સવાલ પુછયો, તો તેમણે કહ્યુ કે આ સંપૂર્ણપણે પીએમ મોદીનો નિર્ણય હશે. (કાશ્મીર પર મધ્યસ્થતાનો સ્વીકાર કરવો અથવા નહીં.)

ગત સપ્તાહે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ભારતને લઈને વિવાદીત ટીપ્પણી કરી હતી. ટ્રમ્પે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી બે સપ્તાહ પહેલા તેમની સાથે હતા અને તેમણે કાશ્મીર મામલા પર મધ્યસ્થતાની પેશકશ કરી હતી. ટ્રમ્પે એમ પણ કહ્યુ હતુ કે તેમને લાગે છે કે ભારત ઉકેલ ચાહે છે અને પાકિસ્તાન પણ. આ મામલો 70 વર્ષતી ચાલી રહ્યો છે. તેમને આમા મધ્યસ્થતા કરવા પર ખુશી થશે. ત્યાર બાદ ભારતની રાજનીતિમાં હલચલ તેજ થઈ હતી.