અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. બીજી તરફ હજુ સુધી શાળા-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. આર્થિક મુશ્કેલીમાં મુકાલેયાલ વાલીઓ દ્વારા સ્કૂલ ફીમાં રાહત આપવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢની લગભગ 300 જેટલી સ્કૂલના સંચાલકો પણ વાલીઓના સમર્થનમાં બહાર આવ્યાં છે. તેમજ જ્યાં સુધી સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી 25 ટકા ફી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજ બંધ છે. પરંતુ બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે હાલ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સ્કૂલ સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સરકાર પાસે પૂરતી સત્તા હોવાનું કહીં સરકારને જ નિર્ણય લેવા આદેશ કરી હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. સરકાર પણ સમગ્ર મામલે શાળા સંચાલકો સાથે ચર્ચા કરી રહી છે.
હાલ ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ સ્કૂલ ફીનો મામલો ગુંજ્યો હતો. દરમિયાન જૂનાગઢની 300 જેટલી ખાનગી શાળાઓએ ફી ઘટાડો મુદ્દે અનોખી પહેલ કરી છે. તેમજ શાળાઓ શરૂ ના થાય ત્યાં સુધી 25 ટકા ફીમાં ઘટાડો કરવા સ્વનિર્ભર શાળાઓ સંમત થઈ છે. સરકાર ફી ઘટાડા મામલે આગામી દિવસોમાં સ્વનિર્ભર શાળા સંચાલકો સાથે બેઠક યોજવાની છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે બેઠક પહેલા જ ફીમાં ઘટાડાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓને મોટી રાહત મળશે.