અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા સુરતમાં કોરોનાએ અજગર ભરડો લીધો હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 200થી વધારે પોઝિટિવ કેસ સામે આવે છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કોરોના પોઝિટિવ દર્દીએ જે સ્થળની મુલાકાત લીધી હોય તે સ્થળ 48 કલાક માટે બંધ કરાશે. એટલું જ નહિ તે સ્થળ ડિસઇન્ફેક્શન કરવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપા દ્વારા સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવા માટે પણ કવાયત શરૂ કરવામાં આવી છે. પાંચ દિવસના સમયગાળામાં 43 જેટલા સુપર સ્પ્રેડર્સને શોધી કાઢવામાં આવ્યાં છે. સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાનના ગલ્લા, ચાની કીટલી, સલૂન, ઓટોગેરેજમાં પણ સઘન ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. સુરતમાં કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા તંત્ર દ્વારા અગ્રેસિવ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ કેસ મલી આવે એટલે તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.